Mysamachar.in-દિલ્હી:
ઘણાં બધાં કિસ્સાઓમાં હત્યા પ્રયાસની કલમ નોંધાતી હોય છે, જે પૈકી ઘણાં કિસ્સાઓમાં પિડીતનું મોત નીપજતાં આવા કેસ હત્યામાં પલટાઈ જતાં હોય છે. આ પ્રકારના એક કેસમાં સુપ્રિમ કોર્ટે અગત્યનું નિરીક્ષણ આપ્યું છે. હત્યા પ્રયાસ કેસમાં એક ઈજાગ્રસ્તનું હુમલાનાં અમુક દિવસો પછી મોત નિપજ્યું હતું. આ કેસમાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, ઈજા અને મોત વચ્ચે સમય વીતી ગયો હોય તો પણ આરોપી જવાબદારીમાંથી છટકી શકે નહીં. આ કેસમાં આરોપીઓએ એવું જણાવ્યું હતું કે, ઝઘડો અચાનક થયો હતો. હત્યાનો ઈરાદો ન હતો. સુનાવણી દરમિયાન અદાલતે એ પણ નોંધ્યું કે, હુમલો કુહાડી વડે થયો હતો જે દર્શાવે છે કે – આરોપીનો ઈરાદો પિડીતને નુકસાન પહોંચાડવાનો હતો.
આ કેસમાં આરોપીનાં વકીલે એવી પણ દલીલ કરી હતી કે, હુમલાનાં વીસ દિવસ પછી ઈજાગ્રસ્તનું મોત થયું છે. જે ઇજાઓને કારણે નહીં પણ ઓપરેશનમાં ખામીઓને કારણે થયું હતું. જો કે અદાલતે આ દલીલો માન્ય રાખી ન હતી. સુપ્રિમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, ઈજાગ્રસ્તનું મોત ઇજાઓને કારણે અમુક દિવસો પછી નિપજે તો પણ આરોપી આ હુમલાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.






