Mysamachar.in:ગુજરાત
FIR અને ચાર્જશીટ બંને સાવ અલગ પ્રકારનું મહત્વ ધરાવતાં હોય, FIR જાહેર કરી શકાય પરંતુ ચાર્જશીટની વિગતો સાર્વજનિક કરવી યોગ્ય ન લેખાય, એમ સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટમાં એક પત્રકારે એવી માંગણી કરી હતી કે, કોઈપણ ગુનામાં ચાર્જશીટની વિગતો પબ્લિક ડોમેનમાં મૂકવી જોઈએ. જાહેર હિતની આ અરજીને સાંભળતી વખતે અદાલતે કહ્યું: ચાર્જશીટની વિગતો પબ્લિક ડોમેનમાં ન મૂકી શકાય. આરોપનામાની વિગતો સાર્વજનિક કરવાથી આરોપીનાં અધિકારોને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત પિડીતનાં હક્કોનું પણ ઉલ્લંઘન થઈ શકે છે અને આ સાથે જ ફરિયાદની તપાસને પણ અસરો પહોંચી શકે છે. આ સુનાવણીનાં અંતે સુપ્રિમ કોર્ટે ચાર્જશીટની વિગતો સાર્વજનિક કરવામાં આવે તેવી માગણી કરતી અરજી કાઢી નાખી હતી.
અત્રે નોંધનીય છે કે, ચાર્જશીટ એક એવો કાયદાકીય દસ્તાવેજ છે, જે FIR નાં આધારે તપાસનીશ એજન્સીએ તપાસની વિગતો, પુરાવાઓ તથા તપાસનીશ અધિકારી દ્વારા આરોપી પર લગાવવામાં આવેલાં આરોપોનું પ્રતિબિંબ હોય છે. આરોપનામું કેટલાંક કેસોમાં બહુ વિસ્તૃત પણ હોય શકે છે. જેમાંની કેટલીક વિગતો સમગ્ર કેસની કેટલીક સંવેદનશીલ બાબતો સાથે સંકળાયેલી હોય છે. જે અદાલતી ટ્રાયલ પહેલાં જાહેર ન પણ કરી શકાય, તેવી હોય છે. અદાલતે આ તકે કહ્યું હતું કે, ચાર્જશીટને FIR સાથે ન સરખાવી શકાય. FIR પબ્લિક ડોમેનમાં મૂકવી એક અલગ મેટર છે. તેનું કાયદાકીય મેરિટ ચાર્જશીટ કરતાં અલગ હોય છે.






