Mysamachar.in-ગુજરાત:
ડ્રગ્સના નામથી આજે આખું ગુજરાત ફફડી રહ્યું છે. લાખો માબાપો સતત એ ચિંતામાં છે કે, આપણો લાડલો ( અથવા લાડલી) સ્કૂલ -કોલેજ કે એવી કોઈ સોબતને કારણે ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ ન જાય ! કારણ કે, શરાબની માફક જ ડ્રગ્સ આપણાં સમાજમાં છેક ઉંડે સુધી પહોંચી ગયું છે ! કરોડોનો કારોબાર છે, હજારો ઘરપરિવારો બરબાદ થઈ રહ્યા છે ! ગુજરાતમાં આ વર્ષે અબજો રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા ઝડપાઈ ગયા છે. જે અગાઉનાં વર્ષોની સરખામણીએ દસ ગણા છે !! તાજેતરમાં છેલ્લે ઓખાના દરિયા નજીકથી રૂ. 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું.
આંકડાની વાત કરીએ તો, ગુજરાતમાં 2019 ની સાલમાં 16,127 કિલો નાર્કો દ્રવ્યો ઝડપાયાં. જેની કિંમત રૂ. 512 કરોડ થાય. એ જ વર્ષે ગુજરાતમાં ફેકટરી મેઈડ નાર્કો દ્રવ્યનો જથ્થો 6,241 કિલો ઝડપાયો હતો જેની કિંમત રૂ. 295 કરોડ આંકવામાં આવી હતી. 2022 માં ગુજરાતમાં કુદરતી નાર્કો દ્રવ્યોના 471 કેસ નોંધાયા. 720 શખ્સોની ધરપકડ થઈ. જથ્થો 30,122 કિલો અને કિંમત રૂ. 5,137 કરોડ ! આ જ વર્ષ દરમિયાન ફેક્ટરી મેઈડ ડ્રગ્સના 148 કેસ નોંધાયા, 255ની ધરપકડ થઈ. જથ્થો 17,978 કિલો ઝડપાયો જેની કિંમત રૂ. 3,005 કરોડ આંકવામાં આવી છે ! કલ્પના કરો, ન પકડાયેલુ નાર્કો દ્રવ્ય કેટલું હશે ??!!
ભૂતકાળમાં 1996 માં અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો ઉદય થયો ત્યારે પણ ડ્રગ્સનો કારોબાર ફાલ્યો હતો. તાજેતરમાં સ્થિતિ એ છે કે, અફઘાનમાં તાલિબાની સરકાર છે. જે ડ્રગ્સ માફિયાઓ પર સકંજો કસી રહી હોય, ડ્રગ્સનુ ટ્રાન્સપોર્ટેશન અને ડિલિવરી અઘરા થયાં છે. ગુજરાતનાં DGP આશિષ ભાટિયા કહે છે: ડ્રગ્સ માફિયાઓ પર ધોંસ વધારવામાં આવી રહી હોય, તેઓ સ્ટોક અને પ્રોડક્શનનો નિકાલ કરવા હાંફળાફાંફળા બન્યા છે. તેઓની ઉતાવળ તેઓને સપડાવી રહી છે. કારણ કે, તંત્રોની તેઓ પર સતત વોચ છે.






