Mysamachar.in:આણંદ.બનાસકાઠા
રોજ બરોજ કોઈને કોઈ સરકારી વિભાગોમાંથી લાન્ચિયાઓ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઈ જાય છે, ત્યારે ગતરોજ ગુજરાતના બે અલગ અલગ શહેરોમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ કરી અને બે લાન્ચિયાઓને રંગેહાથ ઝડપી લીધા છે. આ અંગે એસીબી પાસેથી મળતી વિગતો મુજબ પ્રથમ આણંદમાં થયેલ સીટી સર્વેયરની ટ્રેપની વિગતોની વાત કરીએ તો.આણંદ જીલ્લાના ખંભાતના તાલુકા સેવા સદનના આવેલી સીટી સર્વે કચેરીમાં દસ્તાવેજ આધારે ફેરફાર નોંધ તથા પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવવા માટે મેન્ટેનન્સ સર્વેયર રૂ.સાડા ત્રણ હજારની લાંચ લેતાં રંગેહાથ પકડાયો હતો. મેન્ટેનન્સ સર્વેયર તરીકે આરીફ મુસ્તુફાખાન પઠાણ (રહે.નાપા તળપદ, બોરસદ) ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. જેનું રેગ્યુલર પોસ્ટીંગ તારાપુર ખાતે મેન્ટેનન્સ સર્વેયર તરીકે છે. દરમિયાનમાં ખંભાતના ઝંડાચોકની લાલજીની પોળ પાસે આવેલા આશરે 220 ચોરસ ફુટ જેટલી ખુલ્લી જમીન ગામના જ વ્યક્તિએ ખરીદી હતી. જેના દસ્તાવેજ આધારે સીટી સર્વે કચેરી, ખંભાત ખાતે ફેરફાર નોંધ તથા પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરવા માટે તેઓ 29મી સપ્ટેમ્બર,22ના રોજ અરજી કરી હતી. જોકે, આસીફ પઠાણે એન્જિનીયરને ફોન કરી તેમની અરજી રીજેક્ટ થઇ હોવાનું જણાવ્યું હતું. આથી,
4થી નવેમ્બર,22ના રોજ એન્જિનીયર રૂબરૂ મળવા આસીફ પઠાણે ફેરફાર નોંધ કરવા માટે રૂ.ત્રણ હજારનો ખર્ચ થશે. તેમ જણાવી લાંચની માગણી કરી હતી. જોકે, એન્જિનીયરે લાંચના નાણા આપવા સ્પષ્ટ ના પાણી દીધી હતી.આથી, તેમનું કામ લટકાવી દીધું હતું. આખરે 20મી ડિસેમ્બરના રોજ આસીફને ફરી મળ્યાં હતાં અને તેમના કામ સંબંધે પુછપરછ કરતાં તમામ ખર્ચા સાથે રૂ.3500ન માગણી કરી હતી. જેથી એન્જિનીયરે સહમતી આપી હતી. જોકે, તેઓએ આ બાબતે આણંદ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)માં ફરિયાદ કરતાં ખેડા એસીબીના રેડીંગ પાર્ટીના સભ્યોને સાથે રાખી તથા ઓડિયો રેકોર્ડરનો ઉપયોગ કરી શુક્રવારના રોજ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જે છટકા મુજબ તે આસીફ પઠાણ રૂ.3500ની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો.
તો બીજી ટ્રેપમાં બેંક મેનેજર એસીબીના છટકામાં સપડાઈ ગયો છે જેની વિગતો પર નજર કરીએ તો ડીસા તાલુકાના આસેડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખા આવેલી છે. જેમાં ગામના એક પશુપાલકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પશુ નિભાવ લોન રૂપિયા દોઢ લાખ લેવા માટે અરજી કરી હતી. જે લોન પાસ કરવા માટે બેંક મેનેજરે રૂપિયા 10 હજારની લાંચની માગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી ફરિયાદીએ પાલનપુર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.જે ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આસેડા ગામે બેંકની શાખાના મેનેજર જશવંત બી.દવે લાંચના છટકા દરમિયાન ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 10 હજાર સ્વીકારતા રંગેહાથ પકડાઇ ગયા હતા.






