Mysamachar.in-જામનગર:
અગાઉ કોરોનાકાળ વખતે ઘણાં લોકોની રોજગારી જતી રહી હતી, ઘણાં લોકોની આવકો ઘટી ગઈ હતી. લોકડાઉનને કારણે ઘણાં નાનાં રોજગાર લાંબો સમય બંધ પણ રહ્યા હતાં. આ બધાં કારણોસર સરકારે મફત અનાજ યોજના શરૂ કરેલી, જે આજની તારીખે પણ ચાલુ છે. દરમિયાન, તાજેતરમાં વધુ એક વખત કોરોનાનું સંભવિત આક્રમણ માથે તોળાઈ રહ્યું હોય, સરકારે આ મફત અનાજ યોજના વધુ એક વર્ષ માટે એટલે કે ડિસેમ્બર, 2023 સુધી ચાલુ જ રાખવાનાં નિર્ણયની કાલે શુક્રવારે જાહેરાત કરી.
કેન્દ્ર સરકારની આ જાહેરાત કરોડો લોકો માટે આશિર્વાદરૂપ પૂરવાર થશે. એમાં શંકાને સ્થાન નથી. પરંતુ સાથેસાથે એ જોવું પણ આવશ્યક લેખાશે કે, આટલાં લાંબા સમયથી ચાલી રહેલી આ યોજના કેવી રીતે ચાલી રહી છે ?! તેની સમીક્ષા જામનગરથી માંડીને દિલ્હી સુધી ક્યાંય થતી નથી ! કોઈ પણ યોજનાની ક્ષતિઓ નિવારવા તેનાં અમલની સમીક્ષા જરૂરી હોય છે અને જરૂર પડ્યે તેમાં સુધારાઓ પણ કરવા જોઈએ.
મફત અનાજ યોજનાનાં તમામ લાભાર્થીઓ આ મફત અનાજ ખાતાં નથી ! કરોડો લાભાર્થીઓ અનાજ વેચી રોકડી કરે છે ! આ અનાજ જે લોકો લાભાર્થીઓ પાસેથી ખરીદે છે તેઓ અનાજનાં વિશાળ જથ્થા સાથે જામનગર સહિત બધાં જ શહેરોમાં વારંવાર પકડાઈ જાય છે. તેઓને કોઈ ફાંસીએ ચડાવતુ નથી. અનાજ વેચી નાંખનાર લાભાર્થીઓ વિરૂદ્ધ પણ કોઈ કાર્યવાહી થતી નથી.
જામનગર સહિત રાજ્યભરમાં હજારો સસ્તા અનાજની દુકાનો એવી છે જેનાં સંચાલકો લાભાર્થીઓને અનાજને બદલે ટોકન રોકડી રકમ આપે છે ! આ સરકારી અનાજ ખૂલ્લાં બજારમાં ફૂંકી મારે છે. આ સરકારી અનાજ ખરીદનાર વિરુદ્ધ કે સસ્તા અનાજની દુકાનોનાં ધારકો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. કાર્યવાહી તો દૂરની વાત છે. જામનગર સહિત રાજ્યભરમાં કોઈ જ પૂરવઠા અધિકારી કે જિલ્લા કલેકટર આ દિશામાં તપાસ કે ક્રોસ વેરીફીકેશન પણ કરતાં નથી.
મતલબ સાફ છે, મફત અનાજ યોજના પર ગરીબો ઉપરાંત શ્રીમંતો અને વગદાર પણ નભે છે !!






