Mysamachar.in-ગુજરાત:
સરકારે કેટલીક દવાઓની કિંમતોમાં ઘટાડો જાહેર કર્યો છે. આ વર્ષ દરમિયાન આ પાંચમી વખત કિંમતો ઘટી છે. ગત્ મંગળવારે આ નિર્ણય અનુસાર, કુલ 127 દવાઓની કિંમતોમાં ઘટાડો જાહેર થયો.મંગળવારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ 127 દવાઓની મહત્તમ વેચાણ કિંમતો નક્કી કરી. આ પ્રાઈસથી વધુ ભાવ ઉત્પાદક કંપનીઓ લઈ શકશે નહીં. આ દવાઓમાં પેરાસિટામોલનો પણ સમાવેશ થાય છે. જો કે આ દવાના ભાવમાં આ વર્ષે બે વખત ઘટાડો નોંધાયો છે જ.
વર્ષ 2022 દરમિયાન મોન્ટેલુકાસ્ટ અને મેટફોર્મિન જેવી કેટલીક દવાઓ મોંઘી પણ થઈ છે. ઓથોરિટીએ 127 દવાઓનાં ભાવો ઘટાડયા છે તેમાં પેરાસિટામોલ ઉપરાંત એમોકસીસિલીન, રાબેપ્રેઝોલ અને મેટફોર્મિન જેવી દવાઓનો સમાવેશ થાય છે. આ 127 દવાઓ પૈકીની મોટાભાગની દવાઓ એવી છે જે દેશભરમાં કરોડો દર્દીઓને રૂટિનમાં લખી આપવામાં આવતી હોય છે. તેથી ભાવઘટાડો લોકોને રાહત આપી શકે, જો કંપનીઓ અને વેપારીઓ આ ઘટાડો દર્દીઓ સુધી પહોંચવા દે તો.
દાખલા તરીકે હાલમાં પેરાસિટામોલ 650mg પ્રતિ ટેબ્લેટ રૂ. 2.30નાં ભાવે વેચાય છે, જે હવેથી રૂ. 1.80નાં ભાવથી વેચાણ કરવાની રહેશે. એમોકસીસિલીન અને પોટેશિયમ કલેવુલેનેટ દવાઓ હાલમાં રૂ. 22.30 પ્રતિ ટેબ્લેટનાં ભાવથી વેચાણ થાય છે, જે હવે રૂ. 16.80નાં ભાવથી વેચાણ કરવાની રહેશે. મોક્ષિફલેકોસિન ટેબ્લેટ હાલ રૂ. 31.50નાં ભાવે વેચાય છે જે હવે રૂ. 22.80નાં ભાવથી વેચાણ કરવાની રહેશે.
ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ ડ્રગીસ્ટ એન્ડ કેમિસ્ટનાં જનરલ સેક્રેટરી રાજિવ સિંઘલ કહે છે, દવાઓ માટેનું રોમટિરીયલ હાલ મોંઘુ થયું છે જેથી ઉત્પાદક કંપનીઓ આમ પણ મોટો નફો મેળવી શકતી નથી. અને આ પ્રકારના નિર્ણયોને કારણે આગામી સમયમાં દવાઓની સપ્લાય પર અસરો પેદાં થઈ શકે છે.






