Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં નવી સરકારની રચના માટે તૈયારીઓ ઝડપભેર આગળ વધી રહી છે. સોમવારે યોજાનારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓનાં શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન સહિતનાં સંખ્યાબંધ મહાનુભાવોને નિમંત્રણો આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ઐતિહાસિક વિજય પછી ભારતીય જનતા પાર્ટીએ હવે નવી સરકારની રચના માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સોમવારે શપથવિધિ સમારોહ યોજાશે. આ ભવ્ય સમારોહ ગાંધીનગરમાં હેલિપેડ મેદાનમાં બપોરે ચાર વાગ્યે આયોજિત થશે. એ પહેલાં આજે મુખ્યમંત્રીનાં નામની જાહેરાત થઈ જશે.
સોમવારે શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કર્ણાટકનાં મુખ્યમંત્રી બસવરાજ, હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ તથા ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર ધામી વગેરે મહાનુભાવોને નિમંત્રણો મોકલવામાં આવ્યા છે. વિજય ઐતિહાસિક રહ્યો હોય, મોદીબ્રાન્ડ શપથવિધિ સમારોહ મેગા ઇવેન્ટ તરીકે યોજવામાં આવશે, એવું સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે.
આજે શનિવારે સંભવિત મંત્રીઓનાં નામોની ચર્ચા થશે. રવિવારની રાત્રિ સુધીમાં નામો ફાઈનલ થઈ જશે. સોમવારે સવારે નામોની બિનસત્તાવાર જાહેરાત થઈ શકે અને સોમવારે બપોરે ફોર્માલિટીનાં રૂપમાં શપથવિધિ સમારોહ યોજાશે. કેમ કે, મુખ્યમંત્રી અને મંત્રીઓનાં નામો તો, મોદી-શાહ તથા પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ અગાઉથી જ નક્કી કરી લીધાં હોય, એ સમજી શકાય તેવી બાબત છે. નવી સરકાર અગાઉની સરકારોની સરખામણીએ વધુ સંતુલિત અને તેજસ્વી રહેશે, એવી અપેક્ષાઓ સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે.






