Mysamachar.in-ગુજરાત:
ગુજરાતમાં FMCG બિઝનેસ કરોડોનો છે. બજારોમાં સેંકડો આઈટમ ખાસ્સી વેચાઈ રહી છે. કંપનીઓ ચિક્કાર નફો પણ કરી રહી છે. આગામી સમયમાં, કોમોડિટીઝ સસ્તી થઇ હોય, કેટલીક ચીજોનાં ભાવોમાં આંશિક ઘટાડાનો લાભ ગ્રાહકોને પાસ કરવામાં આવે તેવી શક્યતાઓ સપાટી પર આવી રહી છે. દાખલા તરીકે પામ ઓઈલમાં ભાવો ઘટયા છે. ખાંડ બજાર સ્થિર છે. ઘઉંનાં ભાવો દબાશે. આવું ઘણી કોમોડિટીમાં બનશે. હાલમાં FMCG કંપનીઓ થોભો અને રાહ જુઓની નીતિ મુજબ ચાલી રહી છે. દિવાળી આસપાસ ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં પુષ્કળ કંપનીઓએ ઘણી નવી પ્રોડક્ટ લોન્ચ કરી.
તહેવારો દરમિયાન કંપનીઓએ નફો પણ પુષ્કળ કર્યો. કેટલીક ચીજોમાં લોકોને ભાવઘટાડો પણ અપાયો. પરંતુ હવે જેમ જેમ નવી કોમોડિટી બજારોમાં આવતી થશે એમ ઘણી કંપનીઓ આંશિક ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને આપશે. વેચાણ વધારવા પણ આમ થઈ શકે. હવે પછીનાં સમયમાં કંપનીઓ ઓછાં નફે ઝાઝો ધંધો કરવાનું વલણ અપનાવશે કેમ કે તેઓને પડતરમાં રાહતો મળવાની જ છે. કંપનીઓ પાસે તહેવારો અને ચૂંટણીઓ દરમિયાનનાં વેચાણોથી કેશફલો પણ જબ્બર મળ્યો છે. કેટલીક કંપનીઓ ભાવ નહીં ઘટાડે તો ગ્રામ કે જથ્થો વધારી ગ્રાહકોને વધુ પ્રમાણમાં આકર્ષવા પ્રયાસ કરશે. શેમ્પૂ, સાબુ, ચોકલેટ તથા ઠંડા પીણાં સહિતની ઘરવપરાશની સેંકડો ચીજો એવી છે જેમાં ભાવઘટાડો, ભલે ઓછાં પ્રમાણમાં, આવી શકે છે. આગામી સમયમાં કોમોડિટીઝનાં ભાવો પ્રમાણમાં નિયંત્રિત રહેશે એવી કંપનીઓને અપેક્ષા છે, જેથી બિઝનેસ વોલ્યુમ વધારવા કંપનીઓ સ્કીમ અથવા ભાવઘટાડો કે જથ્થાવધારો લાવી ગ્રાહકોને ફરીથી આકર્ષે તેવી સંભાવનાઓ છે.






