Mysamachar.in-ગુજરાત:
તબીબી ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જે આપણી સૌની રોજબરોજની જિંદગી સાથે સીધું અને ગાઢ રીતે સંકળાયેલું છે, આમ છતાં આ ક્ષેત્રમાં કેટલીક નીતિગત અને વહીવટી તેમજ સંચાલકીય બાબતો એવી રહી છે, જેમાં દર્દીઓનાં વિશાળ હિતોને ધ્યાનમાં રાખી સુધારણાઓ અને ફેરવિચારણાની આવશ્યકતાઓ છે. લાંબા સમયથી આ પ્રકારના સુધારાઓ થતાં ન હોય, છાત્રો – વાલીઓ અને સમાજનાં મોટાં વર્ગમાં આ મુદ્દે એક પ્રકારનો અસંતોષ જોવા મળે છે. આવો જ એક મુદ્દો PG મેડિકલ બેઠકોનાં ઓલ ઈન્ડિયા કવોટાનો મુદ્દો છે.
અગાઉ એવી વ્યવસ્થા હતી કે, ઓલ ઈન્ડિયા કવોટામાં પ્રવેશના રાઉન્ડ પૂર્ણ થયાં પછી પણ કવોટાની જે બેઠકો ખાલી રહી જવા પામી હોય, તે બેઠકો જે-તે રાજયને આપી દેવામાં આવતી. જેનાં પર સંબંધિત રાજ્યનાં છાત્રોને પ્રવેશ મળી શકતો. પરંતુ નવો નિયમ થોડો અલગ છે. આવી ખાલી બેઠકો પ્રવેશના ચાર રાઉન્ડ પછી પણ રાજ્યોને આપવામાં આવતી નથી. જેથી ગુજરાત સહિતના રાજ્યોમાં આ ખાલી બેઠકો પર સ્થાનિક છાત્રોને પ્રવેશ મળી શકતો નથી. આ છાત્રોના વાલીઓ આ ખાલી બેઠકો પર રૂ. 1 થી 3 કરોડની ફી ભરવા તૈયાર હોય છે. અને, મેનેજમેન્ટ કવોટાની આ પ્રકારની બેઠકો માટે વાલીઓ રૂ. 4થી 5 કરોડ ફી પેટે ચૂકવવા તૈયાર હોય છે.
દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો, આ પ્રકારની 532 બેઠકો PG મેડિકલ માટે ખાલી છે. છતાં આ બેઠકો પર સ્થાનિક છાત્રોને પ્રવેશ મળી શકતો નથી, જેને કારણે છાત્રો-વાલીઓમાં નારાજગી જોવા મળે છે, જે આગામી સમયમાં ઉહાપોહ બની શકે છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ગુજરાતમાં ઘણી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાતોની અછત વર્તાઈ રહી છે. ખાનગી ક્ષેત્રમાં પણ ઘણાં શહેરોમાં ઘણાં પ્રકારના નિષ્ણાતોની કમી હોય છે, જેને પરિણામે લોકોએ આકરી કિંમતો ચૂકવીને આરોગ્યસેવા મેળવવી પડતી હોય છે! આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર સ્તરેથી PG મેડિકલ ક્ષેત્રમાં અગવડતા સર્જતા નિયમો અંગે ફેરવિચારણા કરવાની જરૂર હોવાની લાગણી ઘણાં લોકોમાં જોવા મળી રહી છે.