Mysamachar.in-ગુજરાત:
આપણે સૌ જાણીએ છીએ કે, સામાન્ય દિવસોની સરખામણીએ ચૂંટણીનાં દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક અને ઘનિષ્ઠ હોય છે, એવાં દાવાઓ તંત્ર સ્તરે તથા મીડિયામાં જોવા મળતાં હોય છે. આ દાવાઓ વચ્ચે ગુજરાતમાં નવેમ્બર મહિનામાં ધૂમ દાણચોરી થઈ ?! નવેમ્બર મહિનો ચૂંટણી આચારસંહિતા પાલનનો હતો, જે અત્રે નોંધનીય છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે થયું. અને, બીજી ડિસેમ્બરે અમદાવાદથી જાહેર થયું કે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં સોનાની આયાત ઘટી. અને, એ પણ 73 ટકા ઘટી !! લગ્નોની મોસમમાં આમ થવું શક્ય છે ? તમે કહેશો: શક્ય નથી, ઉલટાની આયાત વધુ જોવા મળે. કેમ કે, સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં લગ્નોની સિઝન પૂર્વે અને દરમિયાન ચિક્કાર માત્રામાં સોનાની ખરીદી થતી હોય છે. તો પછી, નવેમ્બર મહિનામાં સોનાની આયાત તોતિંગ પ્રમાણમાં ઘટી કેમ ?! તેનો જવાબ આપે છે, ગોલ્ડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સૂત્રો.
તેઓ કહે છે: સ્વાભાવિક રીતે જ, સોનાની બેફામ દાણચોરી થઈ હોય તો જ આમ શક્ય બને. પરંતુ આ તકે સવાલ એ છે કે, નવેમ્બર મહિનામાં તો ચૂંટણીનાં કારણે ગુજરાતની સરહદો, દરિયાઈ સરહદ અને એરપોર્ટ વગેરે સ્થળોએ જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ, વાહનો ચેક થતાં હતાં. આ સ્થિતિમાં પણ સોનાની બેફામ દાણચોરી જો થઈ જ હોય, તો એ બહુ મોટું અચરજ લેખી શકાય !
આંકડાઓ આ પ્રમાણે છે: નવેમ્બર- 2021માં ગુજરાતમાં 5.40 મેટ્રિક ટન સોનાની આયાત સરકારી રેકર્ડ મુજબ થયેલી. અને, નવેમ્બર -2022માં આ આયાત 1.49 મેટ્રિક ટન રહી. સોનાની આયાત 73 ટકા ઘટી !! કાલે શુક્રવારે અમદાવાદ ગોલ્ડ માર્કેટમાં સોનાનો પ્રતિ દસ ગ્રામ ભાવ રૂ. 55,000 રહ્યો. પાછલાં સાત મહિનાનો આ સૌથી ઉંચો ભાવ છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનનાં ડાયરેક્ટર હરેશ આચાર્ય કહે છે: ગોલ્ડ પર પુષ્કળ ટેક્સ અને મોટી ઈમ્પોર્ટ ડયૂટી છે. જેને કારણે કરચોરીને ઉત્તેજન મળી રહ્યું છે. દાણચોરો માટે પીળી ધાતુ આકર્ષક ચીજ છે. સોનાનો બજારભાવ જેટલો ઉંચો જાય, કરચોરી એટલી વધે !
ગોલ્ડ માર્કેટ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે: સોનાનાં બજારભાવ કરતાં રૂ. 1200-1800 જેટલાં ઓછાં ભાવે બે નંબરનો માલ ચિક્કાર મળે છે. જેમાં નોંધપાત્ર લે-વેચ થતી હોય છે. અમદાવાદ એરપોર્ટ પર આગલાં વર્ષે દાણચોરીનું જે સોનું પકડાયું તેનાં કરતાં આ વર્ષે 37.5ટકા જેટલું વધુ સોનું ઝડપાયું. જે આખું ચિત્ર સમજવામાં ઉપયોગી પૂરવાર થઈ શકે. ફેબ્રુઆરીના અંત સુધી ગોલ્ડની ડિમાન્ડ રહેશે. વર્ષ 2021ના નવેમ્બરની સરખામણીમાં નવેમ્બર-2022માં ગુજરાતમાં ચાંદીની આયાત 89ટકા ઘટી! એમાં પણ દાણચોરોને ચાંદી જ ચાંદી છે !






