Mysamachar.in-ઇન્ફોર્મેશન ડેસ્ક:
ભારતમાં આઝાદી પછી અમલમાં મૂકાયેલા દેશનાં સર્વોચ્ચ બંધારણ અંગેની કેટલીક માહિતીઓ અને વિગતો ઓછી જાણીતી છે. ખરેખર તો, આ બધી જ બાબતો આપણે, સૌ નાગરિકોએ જાણવી જરૂરી લેખાય. અત્રે બંધારણમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગે કેટલીક વિગતો આપવામાં આવી છે, જે સામાન્ય જ્ઞાન તરીકે પણ ઉપયોગી છે.
આપણાં બંધારણનાં ભાગ-4માં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યએ (એટલે કે દેશે એટલે કે તમામ રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ) લોકકલ્યાણને ઉતેજન આપવા રાષ્ટ્રજીવનની તમામ સંસ્થાઓમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય ઉપલબ્ધ થઈ શકે તેવી શકય હોય તેટલી અસરકારક સામાજિક વ્યવસ્થા સર્જવા તથા તેનું સંરક્ષણ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈશે.
રાજય તથા દેશનાં જુદાજુદા વિસ્તારોમાં રહેતાં અને જુદા-જુદા વ્યવસાયોમાં કાર્યરત દેશવાસીઓમાં રહેલી આર્થિક અસમાનતા ઓછી કરવાનો શાસકોએ પ્રયત્ન કરવાનો રહેશે તથા દરેક નાગરિકને મળતી સગવડો, દરજ્જો તથા તકોની અસમાનતા નાબૂદ કરવા શાસકોએ પ્રયાસો કરવાનાં રહેશે.
દેશભરમાં પુરુષ તથા સ્ત્રી નાગરિકોને આજિવિકા મેળવવા પૂરતાં અને સમાન હક્કો મળી રહે, સમાજની ભૌતિક સાધન સામગ્રીની માલિકી તથા નિયંત્રણનું વિતરણ લોકહિત ઉત્તમ રીતે સધાય તેવી રીતે થાય, અર્થતંત્રનું સંચાલન, સંપત્તિ અને ઉત્પાદનનાં સાધનોની લોકહિતને નુકસાન ન કરે તેવી જમાવટ ન થાય, પુરૂષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે, પુરૂષ અને સ્ત્રી કામદારોનાં આરોગ્ય અને શક્તિનો અને બાળકોની કુમળી વયનો દુરૂપયોગ ન થાય અને આર્થિક જરૂરિયાતોને કારણે નાગરિકોને તેમની વય કે શક્તિને માફક ન હોય તેવાં રોજગારમાં જોડાવું ન પડે, તે પણ શાસને જોવાનું રહેશે.
બાળકોને સ્વસ્થ રીતે સ્વાતંત્ર્ય અને ગૌરવપૂર્ણ સ્થિતિમાં વિકસવાની તકો મળી રહે , તેઓને તે પ્રકારની સગવડો આપવામાં આવે, બાળકો તથા કિશોરોને શોષણ સામે તથા તેમની નૈતિક અને આર્થિક ઉપેક્ષાઓ સામે રક્ષણ મળે વગેરે ઉદાત્ત અને કલ્યાણકારી પાસાંઓનો આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થળ સંકોચને કારણે તમામ સિદ્ધાંતો અત્રે વિસ્તૃત રીતે રજૂઆત પામી શકે, એ શક્ય નથી.






