Mysamachar.in-ગુજરાત:
ઈમ્પેકટ ફી ભૂતકાળમાં, જામનગર સહિત રાજ્યભરમાં ઘણાં ગેરકાયદે બાંધકામો માટે ‘ લાડવો ‘ પૂરવાર થયેલી. આ વખતે સરકારે ઝીણું કાંત્યું છે. આ ‘લાડવા’માંથી બધો જ સૂકોમેવો કાઢીને ગેરકાયદે બાંધકામો ધરાવતાં માલિકોને કહેવામાં આવ્યું છે કે – લ્યો, ખાવ લાડવો. ખાઈ શકાય તો !
ઈમ્પેકટ ફી યોજના સરકાર દ્વારા વધુ એક વખત જાહેર થતાં, છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી ગેરકાયદે બાંધકામોનો કબ્જો અને માલિકી ધરાવતાં હજારો લોકો ખુશી અનુભવી રહ્યા છે. તેઓએ વિચાર્યું કે, આપણે નાણાં ખર્ચી શાંતિ ખરીદી લેશું. પરંતુ શાંતિ ખરીદવી આ વખતે આસાન નથી. સરકારે ફિલ્ટર મૂકયા છે, જે હવે જાહેર થયાં.
રાજ્યનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે ગેરકાયદે બાંધકામો માટે ઈમ્પેકટ ફી ભરી, બાંધકામધારકો પોતાનાં આ બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા ચાહે છે તેઓએ સંબંધિત બાંધકામ નિયમિત કરાવતાં પહેલાં સક્ષમ ઓથોરિટી સમક્ષ જે અરજી આપવાની થાય છે તે અરજી સાથે RERA, ફાયર તથા હેલ્થ વિભાગનાં NOC જોડવાના રહેશે. જો એકાદ NOC પણ ઓછું હશે તો, એ અરજી નકારી કાઢવામાં આવશે. ટૂંકમાં, આ ત્રણેય NOC ફરજિયાત છે. અને તો જ તમે આવશ્યક ફી ભરી તમારૂં એ બાંધકામ નિયમિત કરાવી શકશો.
આ માટે શહેરી વિકાસ વિભાગે 2016 નાં ફાયર કાયદાઓ, 2010 નાં દવાખાનાઓ માટેનાં કાયદાઓ અને 2016 નાં RERA કાયદાને આધાર તરીકે લેખાવ્યા છે. આ ત્રણ NOC જોઈશે. હોસ્પિટલ સિવાયનાં બાંધકામોએ બે NOC આપવાનાં રહેશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, 15 મીટરથી વધુ ઉંચાઇ ધરાવતાં બાંધકામો માટે RERA નુ NOC ફરજિયાત છે. જો કે એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, હેલ્થનું NOC કઈ હેલ્થ ઓથોરિટી પાસેથી મેળવવાનું રહેશે ?!
કોર્પોરેશન હદ બહારનાં ગેરકાયદે બાંધકામો માટે હેલ્થ NOC કોણ આપશે ? વગેરે મુદ્દાઓ હાલ અનુતર છે. કેમ કે, હાલમાં અરજીઓ માત્ર સ્વીકારવામાં આવે છે. અરજીઓની ચકાસણી વિધાનસભા ચૂંટણી બાદ થશે એવું માનવામાં આવે છે કેમ કે, શહેરી વિકાસ વિભાગ દ્વારા હજુ કેટલીક સ્પષ્ટતાઓ બાકી રાખવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ગત્ 17 ઓક્ટોબરે ઈમ્પેકટ ફી યોજના જાહેર કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી. હાલમાં જાહેર થતી વિગતો સૂત્રોનાં આધારે જાણવા મળી રહી છે. ચૂંટણી પછી સરકાર દ્વારા જાહેરાતો થશે, એમ જાણવા મળે છે. હાલમાં અરજીઓ સ્વીકારવાની કામગીરી e-Nagar સોફ્ટવેરનાં માધ્યમથી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. નવી સરકારમાં બાકીની કામગીરી અને કાર્યવાહીઓ થશે, એવું હાલ સમજાઈ રહ્યું છે.







