Mysamachar.in:ગુજરાત
ગાંધીનાં ગુજરાતમાં ગાંધીનાં નામે દારૂબંધી લાગુ કરવામાં આવી છે. Dry ગુજરાતમાં ગળું ભીનું કરવાની ‘સુવિધા’ સર્વત્ર ઉપલબ્ધ છે. દારૂબંધીની આ વિશેષતા સૌ જાણે છે ! અને, છતાંયે છેલ્લાં 62 વર્ષથી ગુજરાતમાં દારૂબંધીનું ગાણું ગવાઈ રહ્યું છે ! ગુજરાતને સૌથી લાંબો દરિયાકિનારો મળ્યો છે એ જ રીતે ગુજરાત દારૂનાં દરિયામાં ‘ તરી ‘ રહ્યું છે, જે સૌ જાણે છે. અહીં આપણે તાજેતરનાં જ કેટલાંક આંકડાઓ જોઈએ.
સપ્ટેમ્બર માસમાં પોલીસે જાહેર કર્યું હતું કે, આ મહિનામાં રૂ. 15.84 કરોડનો દારૂ, અમે પકડી લીધો. બાદમાં, ઓક્ટોબર મહિનામાં રૂ. 17.07 કરોડની કિંમતનો દારૂ પકડાઈ ગયો એવું જાહેર કરવામાં આવ્યું. ગત્ 3 નવેમ્બરનાં દિવસે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થયા પછીનાં અઢાર દિવસમાં, એટલે કે 21 નવેમ્બર સુધીમાં પોલીસે રૂ. 10.74 કરોડની કિંમતનો દારૂ પકડાઈ ગયો હોવાનું જાહેર કર્યું છે.
ટૂંકમાં, સમગ્ર રાજ્યમાં દારૂ ચિક્કાર પકડાઈ રહ્યો છે ! સામાન્ય માણસ એ વિચારે છે કે, સમગ્ર રાજ્યમાં આ ‘ ધંધો ‘ કોની દેખરેખ હેઠળ ચાલે છે ?! જે દારૂ પિવાઈ જાય છે, તેનાં આંકડાઓ કોઇને ખબર નથી ! હવે તો જામનગર સહિતના શહેરોમાં બર્થ ડે પાર્ટીમાં અને વાસ્તુ ગૃહપ્રવેશ જેવાં પ્રસંગોમાં પણ છૂટથી બોટલોના ઢાંકણ ખૂલે છે ! ઘણી બધી મહિલાઓ તો નિયમિત દારૂ પીવે છે ! એ હકીકત ઘણાં બધાં લોકો જાણે છે ! અને, સંખ્યાબંધ છાત્રો પણ દેખાદેખીથી ગળાં ભીનાં કરવાને પરાક્રમ સમજે છે ! પાછલાં અઢાર દિવસની જ વાત કરીએ તો, દર એક કલાકે રૂ. અઢી લાખનો દારૂ પકડાઈ જાય છે. બિચારા પ્યાસીઓ !!
ગુજરાતમાં પાછલાં અઢાર દિવસમાં 1 લાખ લિટર દેશી અને 1.97 લાખ લિટર ભારતમાં બનેલો વિદેશી શરાબ પકડાઈ ગયો ! આ અઢાર દિવસમાં 20,761 દારૂડિયાઓની ધરપકડ થઈ. ઓક્ટોબર મહિનામાં ધરપકડનો આંકડો 14,547 રહ્યો હતો. અને, સપ્ટેમ્બર માસમાં આ આંકડો 14,459 હતો. ટૂંકમાં, પાછલાં અઢાર દિવસમાં પોલીસે ઘણું કામ કર્યું.






