Mysamachar.in-પંચમહાલ, વલસાડ
રાજ્યમાં વધુ બે જિલ્લાઓમાં અલગ અલગ એસીબીની ટ્રેપની વિગતો સામે આવી છે, તેની વિગતો પર નજર કરવામાં આવે તો વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોરાઈ ગામમાં આવેલું એક તળાવ ઊંડું કરવાનો કોન્ટ્રાકટ એક કોન્ટ્રાકટરને મળ્યો હતો. જે કોન્ટ્રાક્ટરને વર્ક ઓડર આપવા માટે મોરાઈ ગામના સરપંચે રૂ. 10 લાખની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે રકઝક કરતા મામલો 7 લાખમાં ફાઇનલ કરવામાં આવ્યો હતો. જે પૈકી રૂ. 2 લાખ સરપંચે દિવાળી પહેલા લઈ લીધા હતા. અને બાકીના રૂપિયા ગતરોજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતો ન હોવાથી ACBના હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે લાંચિયા સરપંચને ઝડપી પાડવા લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આ કેસમાં ફરીયાદીએ મોરાઇ ગામે આવેલ બાલદી તળાવ ઉંડુ કરવા અંગે ખોદકામ કરવાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે મોરાઈ ગામના સરપંચ પ્રતિકભાઇ રમેશભાઇ પટેલ સાથે વાત કરી ગામનું તળાવ ઊંડું કરવાનો કોન્ટ્રાકટ આપવા અંગે વાત કરી હતી. ગામના સરપંચે તળાવ ઊંડું કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા અને ગ્રામ પંચાયતનો ઠરાવ આપવા બદલ સરપંચ પ્રતિકભાઇ રમેશભાઇ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 10 લાખની માંગણી કરી હતી. રકઝક કરતાં મામલો 7 લાખમાં નક્કી કરવામાં આવ્યો હતો.
રૂા.2 લાખની સગવડ થાય તેમ હોવાનું જણાવતા મોરાઈ ગામના સરપંચ પ્રતિકભાઇ રમેશભાઇ પટેલના કહેવા પ્રમાણે તેના માણસ લલ્લુ ઉર્ફે જગદીશ ધીરુભાઈ પટેલને રૂ 2 લાખની લાંચની રકમ આપી હતી. સરપંચના વચેટિયાએ લાંચ સ્વીકારી ACBની ટીમ સામે સરપંચને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. ACBના છટકામાં વચેટિયા જગદીશ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે સરપંચ પ્રતીકભાઇ રમેશભાઇ પટેલની તપાસ કરતા મળી આવ્યો ન હતો. જેથી ACBની ટીમે તેને વોન્ટેડ જાહેર કરી વલસાડ ACBની ટીમે પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જયારે લાંચના બીજા કિસ્સામાં પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં જમીન તકરાર સંબંધી સામ સામે અરજીઓ આપવામાં આવી હતી.આ અરજી સંદર્ભમાં દલવાડા બીટ નં-2ના એ.એસ.આઈ. વજેસિંહ શંકરભાઈ બારીઆએ ફરીયાદી અને તેમના પુત્ર અને ભત્રીજાને શહેરા પોલીસ સ્ટેશનમાં તા. 1લી નવેમ્બરના રોજ બોલાવીને લોકઅપમાં નહિ રાખું અને જામીન ઉપર છુટકારો જોઈતો હોય તો રૂ. 10 હજાર આપવા પડશે તેમ કહી વાત પાકી કરી હતી, આ સમયે ફરીયાદીએ સમય પારખી જઈને સાહેબ અત્યારે પૈસા નથી, જામીન ઉપર છૂટ્યા પછી આપી જઈશના વાયદા પ્રમાણે એ.એસ.આઈ.વજેસિંહ બારીઆએ ફરીયાદી અને સંબંધીઓને શહેરા મામલતદાર કચેરીમાં હાજર કરીને જામીન મુક્ત કરાવવાની કાયદેસર કાર્યવાહી આટોપી હતી.
જો કે ફરીયાદીએ લાંચની માંગણીને તાબે થવાના બદલે ગોધરા સ્થિત એ.સી.બી.કચેરીમાં એ.એસ.આઈ. વજેસિંહ બારીઆના લાંચના નાણાંની માંગ સામે ફરીયાદ આપી હતી. આ ફરીયાદના આધારે ગોઠવવામાં આવેલા વ્યૂહાત્મક છટકામાં શહેરા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલ જૂની પોલીસ લાઈન પાસે ફરીયાદી પાસેથી ₹ 9 હજારની લાંચ લેતા એ.એસ.આઈ. વજેસિંહ શંકરભાઈ બારીઆને રંગેહાથ ઝડપી લેતા શહેરા સમેત પંચમહાલ પોલીસ તંત્રમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.
શહેરા પોલીસ કમ્પાઉન્ડની બાજુમાં ફરીયાદી પાસેથી લાંચના ₹ 9 હજાર સ્વીકારીને હરખાયેલા લાંચિયા એ.એસ.આઈ. વજેસિંહ બારીઆ એ.સી.બી.ના સકંજામાં ઘેરાઈ ગયો હોવાના અણસાર સાથે જ કાયદાના જાણકાર આ એ.એસ.આઈ. એ લાંચના નાણાં ગટરનું ઢાંકણું ખોલીને ગટરમાં નાંખીને પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પંચમહાલ એ.સી.બી. પી.આઈ. અને ટીમ દ્વારા એ.એસ.આઈ. વજેસિંહ બારીઆને દબોચી લઈને ગટરમાં ફેંકી દીધેલા લાંચના નાણાં ₹ 9 હજાર રીકવર કરીને મક્કમ પણે કાયદેસર કાર્યવાહી હાથ ધરતાં પોલીસ તંત્રના કેમ્પસમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.