Mysamachar.in-ગુજરાત:
જામનગર સહિત રાજ્યભરમાં સૌને આગામી વિધાનસભા ચૂંટણીની જાહેરાતનો લાંબા સમયથી ઈંતજાર હતો. આખરે આજે, અત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તથા આખરી તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. ગુજરાતની આ ચૂંટણીની મતગણતરી પણ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની મતગણતરી સાથે આઠમી ડિસેમ્બરે યોજાશે. અને, ડિસેમ્બરના અંત પહેલાં આ વર્ષમાં જ રાજ્યમાં નવી સરકારની રચના થઈ જશે.
આજે ત્રીજી નવેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર દ્વારા બપોરે બાર વાગ્યે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. CEC રાજીવકુમારે પત્રકાર પરિષદમાં પ્રારંભે મોરબી હોનારતનાં મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને બાદમાં ચૂંટણી અંગેની વિગતો જાહેર કરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે ચૂંટણીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. સમગ્ર રાજ્યની મતગણતરી હિમાચલ પ્રદેશની સાથે આઠમી ડિસેમ્બરે યોજવામાં આવશે.
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન કરાવવામાં આવશે અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે, બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન યોજાશે.
પ્રથમ તબક્કાનાં પહેલી ડિસેમ્બરનાં મતદાન માટે પાંચમી નવેમ્બરે નોટિફિકેશન બહાર પાડશે, પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર, 15 નવેમ્બરે ફોર્મની ચકાસણી થશે, 17 નવેમ્બર ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ અને 1 ડિસેમ્બરે મતદાન યોજાશે
બીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું 10 નવેમ્બર બહાર પડશે, ઉમેદવારી નોંધવવાની 17 નવેમ્બર, 18 નવેમ્બર ફોર્મની ચકાસણી, 21 નવેમ્બર ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ જયારે 5 ડીસેમ્બરે મતદાન યોજાશે
મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું કે….
* ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક પૈકી 142 બેઠક જનરલ, 17બેઠક SC તથા 23બેઠક ST(આદિજાતિ) અનામત
*કુલ મતદારો 4.90કરોડ , કુલ મતદાન મથકો 51,782
*50 ટકા મતદાન મથકો પરની કામગીરીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે
*રાજ્યમાં કુલ 142 મોડેલ મતદાન મથકો
*કુલ 1,274 મહિલા મતદાન મથકો
* દિવ્યાંગ મતદારોની સંખ્યા 4,04,800 અને તેઓ માટે રાજ્યમાં ઓછામાં ઓછાં 182 ખાસ મતદાન મથકો
* પ્રથમ વખત મતદાન કરશે 3.24લાખ મતદારો
* 80 વર્ષ ઉપરનાં મતદારોની સંખ્યા 9.87લાખ
*નોકરિયાત મતદારોની સંખ્યા 27,000થી વધુ
*દરેક જિલ્લામાં એક મતદાન મથક પર માત્ર યુવાન કર્મચારીઓ
*પ્રત્યેક મતદાન મથક પર સરેરાશ 948 મતદારો
* થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 1,417 ( જે પાંચ વર્ષમાં બમણી થઈ)
* દરેક ઉમેદવારની આર્થિક, સંપત્તિ તથા ગુનાહિત રેકર્ડની વિગતો ચૂંટણી પંચની વેબસાઇટ પર
*દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા પર વોચ રાખવા ખાસ ટીમ
*કોઈ પક્ષ ગુનાહિત રેકર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકીટની ફાળવણી કરશે તો પક્ષે એ માટેનાં ખુલાસા પંચ ઉપરાંત સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયા માં પણ જાહેર કરવાનાં રહેશે.





