Mysamachar.in:અમદાવાદ:
જો તમે વ્યક્તિગત કરદાતા છો અથવા નિલ આવકવેરા રિટર્ન દાખલ કરો છો, તો તમારાં માટે એક નવી ખુશખબરી આવી પહોંચી છે. આવકવેરા રિટર્ન ફોર્મ વધુ સરળ બનાવવા સરકારે લોકો પાસેથી વાંધા સૂચનો મંગાવવા કાલે મંગળવારે એક ડ્રાફ્ટ પબ્લિક કર્યો છે.
ડાયરેકટ ટેકસ માટેની કેન્દ્રીય એજન્સી CBDTએ કાલે એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ પબ્લિક સમક્ષ મૂકવામાં આવ્યો છે એટલે કે સાર્વજનિક કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ આ ડ્રાફ્ટ સંબંધે આ એજન્સીને પોતાના વાંધા સૂચનો મોકલી શકશે. દેશવાસીઓ પાસેથી વાંધા-સૂચનો આવી જાય પછી તેનાં આધારે વ્યક્તિગત કરદાતાઓ તથા નિલ આવકવેરા રિટર્ન ભરનારાઓ માટે સરકાર નવું સરળ આઈટી રિટર્ન જાહેર કરવા માંગે છે. આ નવું ફોર્મ ટ્રસ્ટ અને એનજીઓ માટેનાં ફોર્મ કરતાં અલગ અને વધુ સરળ હશે, એમ એજન્સીનાં સૂત્રો જણાવે છે.
CBDTએ આ ડ્રાફ્ટ અત્યારે એટલાં માટે તરતો મૂક્યો છે કેમ કે, સંભવતઃ આગામી પહેલી ફેબ્રુઆરીએ જાહેર થનારાં કેન્દ્રીય અંદાજપત્ર વખતે આ સરળ ફોર્મની સતાવાર જાહેરાત કરી શકાય. જો આમ શક્ય બનશે તો વર્તમાન નાણાકીય વર્ષનું આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે દેશવાસીઓને આ એક વધારાનો વિકલ્પ મળી શકશે. નોકરિયાતો, પેન્શનર તથા પ્રોપર્ટીમાંથી આવક મેળવી રહેલાં લોકો ITR-1 અથવા ITR-4 દાખલ કરી શકે છે. એજન્સી કહે છે: આ નવું ફોર્મ વધુ સરળ અને રિટર્ન ફાઇલ કરનારાઓનો સમય બચાવનારૂ પૂરવાર થશે કેમ કે, ફોર્મ એકદમ સરળ બની જશે.
આ નવું ફોર્મ રિટર્ન માટેનાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબનું અતિ આધુનિક અને ઉપયોગી હશે. આ ફોર્મમાં કુલ પાંચ વિભાગ હશે, જેમાં YES અને NO એવાં જવાબો આપવાનાં રહેશે. YES જવાબ સાથે વિગતો આપવાની રહેશે અને NO જવાબવાળો પ્રશ્ન ભૂલી જવાનો. NO ધરાવતાં જવાબો રિટર્ન સાથે પછી લિન્કડ જ નહીં રહે. ટૂંકમાં, ‘લાગુ પડતું નથી ‘ એ પ્રકારની વિગતો ફોર્મમાં રહેશે જ નહીં, એમ CBDT અધિકારી કહે છે.






