Mysamachar.in-ગુજરાત:
આગમાં માનવ ભડથું થઈ જાય – એ આગનો સૌથી કાતિલ પ્રકાર છે. રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલોમાં આ પ્રકારની આગની ઘટનાઓ થોડાં મહિનાઓ પહેલાં બની હતી, જેમાં ઘણાં લોકો ભડથું થઈ ગયા હતાં. આ મામલો સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો હોય, ગુજરાત સરકારને સોગંદનામું રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
કાલે સોમવારે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને ઝીણામાં ઝીણી વિગતો સાથેનું સોગંદનામું રજૂ કરવા કહ્યું. જેમાં એમ કહેવાયું છે કે, રાજકોટ તથા અમદાવાદની હોસ્પિટલોમાં આગ લાગી હતી. ત્યારબાદ, જસ્ટિસ ડી.એ. મહેતાનાં વડપણ હેઠળ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સુપ્રિમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. અને, રિપોર્ટનાં અભ્યાસ પછી સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, આ રિપોર્ટ પછી ગુજરાત સરકારે કયા કયા પગલાં લીધાં ? તે અંગેની સંપૂર્ણ વિગતો સાથેનું સોગંદનામું એક સપ્તાહમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2020ની છઠ્ઠી ઓગસ્ટનાં રોજ અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં કોવિડના આઠ દર્દીઓ ભડથું થયા હતાં. આ ઉપરાંત રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ખાતે નવેમ્બર, 2020 માં આગ લાગી હતી જેમાં કોવિડના પાંચ દર્દીઓ ભડથું થઈ ગયા હતાં. આ ઘટનાઓની તપાસનો રિપોર્ટ મહેતા પંચે સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. જેની હાલ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વતી સુપ્રિમ કોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે, જસ્ટિસ મહેતા તપાસ પંચનો રિપોર્ટ તથા રિપોર્ટ પછી ગુજરાત સરકારે લીધેલાં પગલાંઓ અંગેની વિગતો ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલી છે. કેન્દ્ર સરકારની આ રજૂઆત પછી સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને ઉપરોક્ત સોગંદનામું રજૂ કરવા કહ્યું છે.
આ સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટમાં કહ્યું કે, આ પ્રકારના કિસ્સાઓમાં નિયમ વિરુદ્ધ ચાલતી હોસ્પિટલો ઉપરાંત આવી હોસ્પિટલમાં કાર્યરત તબીબો વિરુદ્ધ પણ કામ ચલાવી શકાય તે પ્રકારની માર્ગદર્શિકા સુપ્રિમ કોર્ટે જાહેર કરવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું કે, મોટાભાગના કેસોમાં તબીબો દર્દીઓનાં પરિવારજનોને દર્દીઓની શું સારવાર ચાલી રહી છે ? તેની વિગતો પણ આપતાં નથી ! આરોગ્ય ક્ષેત્ર સૌથી વધુ અનિયંત્રિત છે અને દર્દીનાં મોતનાં કિસ્સાઓમાં પણ તબીબોને સાવ હળવી સજા થતી હોય છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટમાં એવી પણ રજૂઆત થઈ કે, ગુજરાતમાં લગભગ બધાં જ શહેરોમાં રહેણાંક વિસ્તારોમાં નિયમો વિરુદ્ધ હોસ્પિટલો ધમધમી રહી છે. કોર્પોરેશન તથા પોલીસતંત્ર આવી અનિયમિતતાઓ પ્રત્યે આંખ મિચામણા કરે છે. ગુજરાત સરકારે આ સોગંદનામું આ સપ્તાહનાં અંતમાં અદાલતમાં દાખલ કરવાનું રહેશે.






