Mysamachar.in-પાટણ
રાજ્યના પાટણ નજીક ગતરાત્રીના એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ભાભરમાં રહેતો માળી પરિવાર સૌરાષ્ટ્રની યાત્રા પર ગયો હતો. ગત મોડી રાત્રે પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. રાત્રિના 2 વાગ્યાની આસપાસ કાર શંખેશ્વરની રૂપેણ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી એ સમયે ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર પુલની દીવાલ સાથે અથડાઈ હતી. દીવાલ સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિકોએ 108ની ટીમ અને પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના બે લોકોનાં મોતથી માળી પરિવારમાં ગમગમીનીનો માહોલ છવાયો હતો.






