Mysamachar.in-ગુજરાત:
આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ ગયું. પણ છૂટાછવાયા વરસાદ અને ઝાપટા સિવાય ક્યાંય પણ સારો વરસાદ થયો નથી. જેના કારણે જળાશયોમાં કોઈ નવા નીરની આવક થઈ નથી. જેની સીધી અસર ખેતી પર પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ માત્ર હાઉકલી કરીને જતો રહે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઓછો વરસાદ થયો છે. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, જળાશયોમાં પાણીની માત્રા મર્યાદિત છે. દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ થતા ડેમમાં પાણીની નવી આવક જોવા મળી હતી. ગુરૂવારે ડેમમાં 37256 ક્યુસેક આવક થઈ હતી જેની સામે 6748 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. વરસાદે એક મોટો અલ્પવિરામ લેતા જળાશયોમાં પાણી ઘટી રહ્યું છે.
ગુજરાત રાજ્યના જળાશયોમાં માત્ર 38.84 ટકા જ પાણી બાકી રહ્યું છે. જ્યારે બે ડેમ એવા છે જ્યાં 100 ટકાથી પાણીનો સંગ્રહ થયો છે. હાલ સરદાર સરોવરમાં 43.20 ટકા પાણીનો સ્ટોક છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 23.57 ટકા પાણીનો સ્ટોક છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 39.63 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.74 ટકા, કચ્છના 20 જળાશયોમાં 24.55 ટકા જળ સંગ્રહ છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 32.29 ટકા જળસંગ્રહ છે. કુલ 116 ડેમમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી છે. 62 જળાશયોમાં 25થી 50 ટકા પાણી સંગ્રહ છે. 14 જળાશયમાં 50થી 70 ટકા પાણીનો સંગ્રહ છે. 13માં 70થી 100 ટકા પાણી છે. વરસાદે એકાએક મોટો બ્રેક લેતા પાક ઉપર પણ મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ખેડૂતોમાં ચિંતા છે કે, આ વખતે પાક નિષ્ફળ ન જાય. શહેરી તો ઠીક ગ્રામ્ય પંથકમાં પણ ક્યાંય સારો એવો વરસાદ નથી. એક તરફ મોંઘવારીનું ચિત્ર છે બીજી તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે. એવામાં આવનારા દિવસોમાં વરસાદ નહીં થાય તો ફરી શાકભાજી તથા તેલ મોંઘુ થવાના પૂરા એંધાણ છે.






