Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીથી માંડીને મતદાર યાદીની કામગીરી હોય કે અન્ય સરકારી કામગીરી હોય,શિક્ષકોને કામે લગાડવામાં આવે છે,જ્યારે શિક્ષકોને કે તેમના વારસદારોને હક્ક દેવાની વાત આવે ત્યારે સરકાર મોઢું ફેરવી લેતી હોય છે તેવો શિક્ષકો આક્ષેપ કરી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રીના મતવિસ્તાર રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકા હેઠળ આવતા ૧૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોના વારસદારો,મૃત્યુસહ ઊચક સહાયથી વંચિત હોવાના આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક મહામંડળ પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી પીનાકીન પટેલએ શિક્ષણમંત્રી અને પ્રાથમિક શિક્ષણ નિયામકને આ મામલે રજૂઆત કરી છે,
સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૦૧૧થી જે કર્મચારીઑ ચાલુ નોકરીએ અવસાન પામ્યા છે,તેવા કર્મચારીઓના વારસદારને નોકરી આપવાના બદલે બાકી રહેલી નોકરીના આધારે ૮ લાખ સુધી ઊચક સહાય આપવાનો નિર્ણય કર્યો છે,જે અન્વયે જિલ્લા પંચાયતોના પ્રાથમિક શિક્ષકોને સહાય આપવામાં આવે છે,
પરંતુ મહાનગરપાલિકા હેઠળના શિક્ષકોને જોગવાઈ મુજબ ૮૦% સહાય સરકાર અને ૨૦% મહાનગર પાલિકા દ્વારા આપવા અંગે વહેલી તકે નિર્ણય લેવા ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક મહામંડળે રજૂઆતમાં જણાવ્યુ છે અને જરૂર પડ્યે શિક્ષકોના વારસદારોને વહેલી તકે સહાય મળે તે માટે વારસદારોને સાથે રાખીને પુન: ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.