mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
નર્મદા આધારિત પીવાના પાણીની લાઇન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં અમુક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઠેર ઠેર છે તેવું દેવભૂમિ દ્વારકા અને જામનગરની મુલાકાતે આવેલ ગુજરાત વિધાન સભાની જાહેર હિસાબ અને પાણી સમિતિના અધ્યક્ષ પુંજાભાઈ વંશએ જામનગર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ખુલાસો કર્યો હતો,
ગુજરાત વિધાન સભા જાહેર હિસાબ અને પાણી સમિતિના અધ્યક્ષ પુંજાભાઈ વંશની વગેરેની ટીમ દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં નર્મદા આધારિત પીવાનું પાણીનું યોગ્ય રીતે વિતરણ થાય છે કે કેમ અને સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કર્યા બાદ લોકોને પાણીની સુવિધા મળે છે કે કેમ તેની તપાસ કરવા માટે કાલાવડ,લાલપુર,કલ્યાણપુર વગેરે તાલુકાનાં 8 ગામોની મુલાકાત લીધી હતી,
દરમ્યાન નર્મદા આધારિત પીવાના પાણીની લાઇન નાખવા છતાં આજની તારીખે પણ 16 થી 17 ગામોમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં પાણી પુરવઠા બોર્ડ નિષ્ફળ ગયું છે તેવું સમિતિને ધ્યાનમાં આવ્યું છે,ઉપરાંત પુંજાભાઈ વંશે જણાવ્યુ હતું કે, કેગના અહેવાલમાં નર્મદા આધારિત પીવાના પાણીની લાઇન મામલે ક્ષતિઓ કાઢવામાં આવી હતી જે વિધાનસભા જાહેર હિસાબ અને પાણી સમિતિ પાસે કેગના અહેવાલનો પારો આવતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં સમિતિ દ્વારા મુલાકાત લેવામાં આવી હોવાનું પુંજાભાઈ વંશે જણાવ્યુ હતું,
સમિતિની તપાસ દરમ્યાન પાણી પુરવઠા દ્વારા હલકી ગુણવત્તાના કામો,ટેકનિકલ ક્ષતિ વગેરેના કારણે લોકો માટે નર્મદા આધારિત પીવાના પાણીનો જે ખર્ચ કરવામાં આવેલ છે તેનું યોગ્ય વળતર મળ્યું નથી તેવું જણાવ્યુ હતું,
જીલ્લામાં પીવાના પાણી માટે ૪૫૬.૮૨ લાખનું આયોજન
જામનગર જીલ્લામાં આગામી ઉનાળા-૨૦૧૯માં પીવાના પાણીની પરિસ્થિતીને પહોંચી વળવા માટે ૧૬૧ ગામ તથા ૪૩ પરા માટે કન્ટીઝન્સી પ્લાન બનાવવામાં આવેલ છે,સદર કન્ટીઝન્સી પ્લાનમાં ૩૭ ગામમાં ૩૯ બોરની કામગીરી તથા ૧૭ ગામ/૪૦ પરામાં ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ.૪૫૬.૮૨ લાખનું આયોજન કરેલ છે,
જામનગર જીલ્લામાં હાલમાં સસોઈ ડેમ,ઉંડ-૧ ડેમમાં પાણીનો જથ્થો તા.૩૧-૦૩-૨૦૧૯ સુધી ચાલશે,રણજીત સાગર ડેમમાં પાણીનો જથ્થો તા ૩૧-૧૦-૨૦૧૮ સુધી ચાલશે,આજી-૩ ડેમમાં પાણીનો જથ્થો એપ્રિલ/૨૦૧૯ સુધી ચાલશે પરંતુ આ ડેમમાં સૌની યોજનમાથી પાણી પંપીંગ કરી ડેમ ભરવાનું આયોજન છે, જેથી તા.૩૧-૦૭-૨૦૧૯ સુધી પાણી ચાલશે,આ ડેમ જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટી જતાં નર્મદા પાઇપલાઇન ખાતે પાણી પૂરું પાડવામાં આવશે.આ ડેમ જળાશયોમાં ૧૯૮૯૭૪ એમ.સી.એફ.ટી.પાણીનો જથ્થો છે, આ ડેમ જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટી જતાં નર્મદા પાઇપલાઇન ખાતે પાણી પૂરું પાડવામાં આવશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.