mysamachar.in-જામનગર: દેવભૂમિ દ્વારકા:
રાજ્ય સરકાર દ્વારા ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કુલ ૪ તાલુકાનાં ૧૮૮ ગામડાઓનો સમાવેશ થાય છે ત્યારે આજુબાજુના તાલુકાનાં ગામોનો ટેકનિકલ કારણોસર અછતની વ્યાખ્યાને કારણે સમાવેશ ના કરવામાં આવતા રોષ ફેલાયો છે,
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ રાજ્યના ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેરાત કરતાં સમયે સ્વીકાર્યું કે,ખેડૂતોના પાક નિષ્ફળ ગયો છે અને મોટા પ્રમાણમાં નુકશાની પણ થયેલ છે જેના આધારે આ અછતગ્રસ્ત તાલુકાનાં ખેડૂતોને હેક્ટર દીઠ ૬૮૦૦ સહાય,બે રૂપિયા કિલો માલધારીને ખાસ સહાય,ગૌશાળાઓને પશુ દીઠ ૭૦ ની સહાય માનવ રોજગારી માટે મનરેગા યોજના હેઠળ ૧૦૦ માંથી ૧૫૦ દિવસ રોજગારી આપવામાં આવશે ઉપરાંત મધ્યાહન ભોજન યોજના વેકેશન સમય દરમ્યાન પણ ચાલુ રાખવા સહિતની જાહેરાત કરીને ૩૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઈ સાથે ખર્ચ કરવામાં આવશે આવું આયોજન સરકારે કર્યું છે,
ત્યારે ૧૨૫ મી.મી.સુધીના વરસાદને બદલે ૨૫૦ મી.મી.થી ઓછો વરસાદ થયો હોય તેવા ગામોને અછતગ્રસ્તમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે,તેવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા,કલ્યાણપુર તાલુકાનાં કુલ ૧૦૯ ગામ અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનાં ૩૭ અને ધ્રોલ તાલુકાનાં ૪૨ ગામોનો અછતગ્રસ્તમાં સમાવેશ થતાં આ તાલુકાની આજુબાજુના ગામોને અન્યાય થયાની લાગણી સાથે રોષ ફેલાયો છે,
જોડિયા તાલુકામાથી જુદા પડેલા ૧૫ ગામોને અન્યાય…
સરકારે જોડિયા તાલુકાનાં ૩૭ ગામોને અછતગ્રસ્તની વ્યાખ્યામાં લઈને જાહેર કર્યા છે ત્યારે જોડિયાથી જુદા પડેલા અને મોરબી તાલુકામાં સમાવેશ થયેલા આમરણ ચોવીસીના ૧૫ ગામોમાં અપૂરતો વરસાદ પડેલ હોવા છતાં અછતગ્રસ્ત જાહેર ન થતાં દેકારો બોલી ગયો છે અને સરકારે મોરબી જીલ્લાના માળીયા ,હળવદ,વાંકાનેરના ૨૧૨ ગામોને જ માત્ર સમાવેશ કરવામાં આવ્યો છે, ટેકનિકલ કારણોસર આમરણ ચોવીસીના ૧૫ ગામોને અન્યાય થતાં રોષ ફેલાયો છે,
દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લાના અમુક ગામોમાં સરેરાશ વરસાદ પડયો જ નથી…
સરકારી આંકડાના આધારે વરસાદ માપવામાં આવે છે ત્યારે દેવભૂમિ દ્વારકાના દ્વારકા,કલ્યાણપુર સિવાયના તાલુકાનાં અમુક ગામોમાં સરેરાશ ઓછો વરસાદ નોંધાયો છે,આવું જ જામનગર જીલ્લાના કાલાવડ,જામજોધપુર,લાલપુર,જામનગર તાલુકાનાં અમુક ગામોમાં પણ સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે,ટેકનિકલ કારણોસર આવા ગામોનો અછતની વ્યાખ્યામાં ન લેવામાં આવતા હોવાથી અન્યાય થયાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.