Mysamachar.in:અમદાવાદ
અમદાવાદમાં બુધવારે રાત્રે એક અતિ વિચિત્ર અને મહાઘાતક અકસ્માત સર્જાતાં એકસાથે 9 લોકો મોતને ભેટયા ! આ અકસ્માત અમદાવાદમાં સરખેજ નજીક એસજી હાઈવે પર સર્જાયો. આ અકસ્માતમાં ઘાયલ અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણવા મળેલી વિગતો અનુસાર, એસજી હાઈવે પર એક ડમ્પર અને એક થાર જિપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટયો હતો અને ઘણાં બધાં લોકો થારચાલક સાથે ઉભાં હતાં. જેમાં પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થતો હતો.
આ સમયે રાજપથ ક્લબ તરફથી એક જગુઆર કાર તેજગતિએ ત્યાં ધસી આવી. અને થાર નજીક અકસ્માત નિહાળવા ઉભેલાં લોકોનાં ટોળાં પર ચડી ગઇ ! ટોળામાં ઉભેલાં લોકો પૈકી કેટલાંક ફૂટબોલની માફક ફંગોળાયા અને ગણતરીની સેકન્ડોમાં ત્યાં લોહીનાં ખાબોચિયાં ભરાયાં ! આ ટોળામાં ઉભેલાં એક પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન સહિત 6 લોકો ઘટનાસ્થળે મોતને ભેટ્યા ! અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવારમાં મરણ પામ્યા. કુલ નવ લોકોનો ભોગ લેવાયો ! અને અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ટોળાં પર ચડી ગયેલી આ કારની ગતિ કલાકના 160 કિમી હોવાનું અને કારમાં ચાલક ઉપરાંત એક યુવતી હોવાનું જાહેર થયું છે. કારના ચાલકનું નામ તથ્ય પટેલ છે. આ અકસ્માતને પગલે સમગ્ર એસજી હાઈવે પર બુધવારે રાત્રે એકદોઢ વાગ્યા આસપાસ અફડાતફડી મચી જવા પામી હતી.