Mysamachar.in-જામનગર:
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને બહાનાબાજીની ફાવટ સારી હોય છે, એવી જન સામાન્યની માન્યતા છે. આ માન્યતા સત્યની નજીક હોવાનો વધુ એક પુરાવો રેકર્ડ પર આવ્યો છે. જામનગરનું દરેડ BRC ભવન ત્યાં સુધી ‘સૂતું’ રહ્યું, જ્યાં સુધીમાં વરસાદી પાણી ભવનમાં ઘૂસી ગયું અને હજારો નંગ સરકારી શૈક્ષણિક સાહિત્ય પલળી ગયું. આ સાહિત્ય છાત્રો અને છાત્રાઓ સુધી સમયસર પહોંચી શક્યું નહીં.
જામનગરના દરેડ વિસ્તારમાં આવેલાં BRC ભવનમાં સરકારી શૈક્ષણિક સાહિત્ય ગાંધીનગરથી આવે છે, જે શાળાઓનાં ભૂલકાંઓને આપવાનું હોય છે. પરંતુ વરસાદની સ્થિતિઓ અને ભારેથી અતિ ભારે વરસાદની વારંવારની આગાહીઓ છતાં BRC ભવનમાં ફરજ બજાવતા જવાબદારો એમ ના વિચાર્યું કે ભૂલકાંઓને આપવાનું આ શૈક્ષણિક સાહિત્ય વરસાદમાં પલળી જશે તો ? આ અંગે તેઓએ કોઈ જ અગમચેતીનો કે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર્યો નહીં, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની આફત આવે ત્યાં સુધી ‘સૂતાં’ રહેવાની આદત કેવી કહેવાય..? અને અહી પણ એવું જ થયું અંતે BRC ભવનમાં વરસાદી પાણી ઘૂસી ગયું અને હજારો નંગ શૈક્ષણિક સાહિત્ય પલળી ગયું. આ અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કહી ચુક્યા છે કે મને આ અંગેની કોઈ જાણ જ કરવામાં નથી આવે કે સાહિત્ય પલળી ગયું છે.
વરસાદમાં ખાસ કશું નુકસાન થયું નથી એવા ભવનના કો-ઓર્ડીનેટરના દાવાઓ વચ્ચે હકીકત એ છે કે, અહીં હજારો નંગ શૈક્ષણિક સાહિત્ય પલળી જતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ અંગે છેક ગાંધીનગર સ્ટેટ પ્રોજેક્ટ કચેરીના સચિવને હકીકતલક્ષી રિપોર્ટ કરવો પડ્યો છે. આ રિપોર્ટ કહે છે: ધોરણ 3,4,5 માટેનું તથા અન્ય એમ કુલ મળી 8,129 નંગ સાહિત્ય ભૂલકાંઓને વિતરિત કરી ન શકાય એવી હાલતમાં હતું. આ રિપોર્ટ પરથી જ સમજાઈ જાય છે કે, આ વાત મોટી છે પરંતુ કશું બન્યું નથી, એવો પ્રચાર થઈ રહ્યો છે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ સમાચાર Mysamachar.in દ્વારા હકીકતલક્ષી અહેવાલ તરીકે જાહેર કરવામાં આવતાં જ, તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ પ્રકરણ સંબંધે BRC કો-ઓર્ડિનેટર પ્રજ્ઞા લીંબડે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ખુલાસાઓ કરવાનો પણ પ્રયાસ કરેલો પરંતુ પછી એમને પોતાની ‘ભૂલ’ સમજાઈ જતાં, એમને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ‘માફી’ પણ જાહેર કરવી પડી હતી. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ આ પ્રકારના બનાવો પરથી બોધપાઠ લેવો જોઈએ અને પોતાની ફરજો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ.
