Mysamachar.in-અમદાવાદ:
નોટબંધી સૌને યાદ હશે જ, નોટબંધી મુદ્દે ઘણો પ્રચાર થયેલો અને નોટબંધીને કારણે ઘણાંને નાની પણ યાદ આવી ગઈ હતી. જો કે, એકંદર સ્થિતિઓ જોઈએ તો, નોટબંધીના હેતુઓ પાર પડ્યા નથી. પ્રચાર કરવામાં આવ્યો એટલું જ, બાકી આજની તારીખે બધું એમ જ ચાલે છે. કાળુ નાણું ક્યાં છે, કેટલું છે અને કોની પાસે છે- એ બધી જ બાબતો ઓપન ટુ ઓલ છે. કાળા નાણાંધારકોને કોઈ ‘ફાંસીના માંચડે’ ચડાવી દેતું નથી, એવું લોકો નોટબંધીના આઠ વર્ષ બાદ પણ માની રહ્યા છે.
8મી નવેમ્બર, 2016ના દિવસે મોડી સાંજે નોટબંધી જાહેર થતાં જ એવો પ્રચાર શરૂ થઈ ગયો હતો કે, હવે દેશમાં સુખનો સૂરજ ઉગશે. આજે 9મી નવેમ્બર, 2024ની સ્થિતિએ મોટાભાગના દેશવાસીઓ કહી રહ્યા છે કે, દેશમાં કાળા નાણાંનું ચલણ બેફામ છે અને સૌથી વધુ કાળુ નાણું જમીન મકાન ક્ષેત્રમાં છે, અધિકારીઓ અને નેતાઓ પાસે મોટાં પ્રમાણમાં કાળુ નાણું છે- બહુમતી લોકોની માન્યતા આ છે.
એક સર્વે મુજબ, 67 ટકા લોકો કહે છે: જે અધિકારીઓ અને નેતાઓ પોતાની સંપત્તિઓ જાહેર ન કરે તેમની હકાલપટ્ટી કરો. જમીન સહિતની મિલકતો અંગેનો કેન્દ્રીય ડેટાબેઝ આજની તારીખે ઉપલબ્ધ નથી. બેનામી મિલકતોની સંખ્યા કરોડોમાં છે. દેશમાં 62 ટકા લોકો એવા છે જેમની સંપત્તિઓ આધારકાર્ડ સાથે લિંક નથી. દેશના 372 જિલ્લાઓમાં એક સંસ્થા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના તારણો નોટબંધીની નવમી વરસી એ જાહેર થયા છે.
સર્વેમાં લોકોએ પ્રતિભાવ આપ્યા કે, ઘણાં રાજકીય નેતાઓ, અધિકારીઓ અને અન્ય કેટલાંક લોકોનું કાળુ ધન રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટાં પ્રમાણમાં છે. અને, મોટાભાગના નાણાંકીય વ્યવહારો અહીં રોકડમાં થઈ રહ્યા છે. બિલ્ડર્સ અને પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા જે ખરીદીઓ થઈ રહી છે, તેના હિસાબો કયાંય ચેક કરવામાં આવતા નથી. રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં નાણાંકીય હિસાબોનું અસરકારક ઓડિટ થતું નથી.