Mysamachar.in-જામનગર:
દીવાળીના પર્વ પર કરોડો રૂપિયાના ફટાકડા ફોડવામાં આવતાં હોય છે, જેને કારણે કોઈ પણ સ્થળે નાનીમોટી આગ ફાટી નીકળવાની શકયતાઓ હોય છે. આ બાબત ધ્યાનમાં રાખી જામનગર શહેરના નગરજનો અને મિલકતોને સંભવિત આગથી રક્ષણ આપવા ફાયર વિભાગ દ્વારા આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કોઈ પણ પ્રકારની ઘટનાને પહોંચી વળવા તંત્રએ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે.

જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશનોઈના માર્ગદર્શન મુજબ ફાયર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરના ડીકેવી કોલેજ સર્કલ, રણજિતસાગર રોડ પર ગ્રીન સિટી નજીક, ઈન્દીરા રોડ પર, દરબારગઢ અને બેડેશ્વર વિસ્તારમાં આગ બૂઝાવવા માટેના બંબા અને સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના કોઈ પણ વિસ્તારમાં આગ ફાટી નીકળે તો, ઓછામાં ઓછા સમયમાં આગના સ્થળ પર પહોંચી શકાય અને આગને વિકરાળ બનતી અટકાવી શકાય તે માટે આ વ્યવસ્થાઓ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફટી અધિકારીઓ અને કર્મચારીઓ મળી કુલ 85 કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરોકત પાંચેય સ્થળો પર ફાયર ફાઈટર સાથે પાંચ પાંચ કર્મચારીઓને સજ્જ રાખવામાં આવ્યા છે. આ પાંચ જગ્યાઓ પર ફાયરના કુલ 12 વાહનો તૈયાર રાખવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ગત્ દીવાળી પર્વ સમયે શહેરમાં 20 થી વધુ જગ્યાઓ પર આગ લાગી હોવાની ઘટનાઓ નોંધાયેલી.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકાએ જે વ્યવસ્થાઓ ગોઠવી છે તેમાં ડિફેન્સ વિભાગના એક ફાયર ફાઈટર(ટીમ સહિત) અને ખાનગી કંપનીઓના બે અન્ય ફાયર ફાઈટર(તથા ટીમ)નો સમાવેશ થાય છે. જો કે, નગરજનોએ પણ સંભવિત ઉપાધિઓથી બચવા ફટાકડાઓ ફોડતી વખતે કાળજી અને સાવચેતી રાખવા જરૂરી લેખાય.
