Mysamachar.in:ગાંધીનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત રાજયમાં અવારનવાર ઔદ્યોગિક અકસ્માતો સર્જાતા રહેતાં હોય છે, જો કે સરકારના ઔદ્યોગિક સલામતી વિભાગની કાર્યશૈલી સામાન્ય રીતે એ પ્રકારની જોવા મળે છે કે, આ પ્રકારના ઔદ્યોગિક અકસ્માતના કેસોમાં જાનહાનિ થઈ હોય તો પણ ખાસ ઉહાપોહ મચતો હોતો નથી અને દોષિતો અંગેનો રિપોર્ટ તો વળી ભાગ્યે જ બહાર આવતો હોય છે ! આ પ્રકારની પેક વ્યવસ્થાને કારણે ઔદ્યોગિક અકસ્માતો લોકચર્ચાઓમાં કાયમ શંકાના દાયરામાં રહેતાં હોય છે અને તેથી કામદારોના પરિવારો મોટાભાગના કેસોમાં ન્યાયથી વંચિત રહેતાં હોય- એ પણ શક્ય છે !
આ સમગ્ર વિષયને લોકોના ધ્યાન સુધી પહોંચાડવા, તાજેતરમાં વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. સરકારે વિધાનસભામાં આ પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે, વર્ષ 2020/21 દરમિયાન રાજયમાં કુલ 179 ઔદ્યોગિક અકસ્માત નોંધાયા છે. જેમાં 217 લોકોના મોત થયા અને અન્ય 81 લોકો ઈજાગ્રસ્ત બન્યા. એ જ રીતે, વર્ષ 2021/22 દરમિયાન ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યા 198 રહી, જેમાં 232 લોકોના જીવ ગયા. અને 53 લોકોને ઈજાઓ થઈ.
વર્ષ 2022/23માં રાજયમાં રેકર્ડ પર આવેલા ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યા 210 રહી. ટૂંકમાં, ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે ! સંબંધિત તંત્રોને ખુલાસાઓ શા માટે પૂછવામાં આવતાં નથી ? અને આ વર્ષ દરમિયાન 249 કામદારોએ જીવ ગુમાવ્યા ! મોતની સંખ્યા પણ વધી રહી છે ! ઔદ્યોગિક સલામતી ગંભીર વિષય બની રહ્યો છે. અને, ઈજાગ્રસ્તોની સંખ્યા પણ વધીને 79 થઈ ગઈ.
સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, આ ઔદ્યોગિક અકસ્માતો સંદર્ભે જુદાંજુદાં કાયદાઓના અને જોગવાઈઓના ભંગ બદલ કુલ 599 ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિધાનસભામાં એમ પણ કહેવામાં આવ્યું કે, આ અકસ્માતોમાં જે કામદારો 40થી 70 ટકા જેટલી ઈન્જરી પામ્યા છે તેઓને રૂપિયા 25,000 નું અને જેઓ 70 ટકા કરતાં વધુ વિકલાંગતા પામ્યા હોય તેઓને જોગવાઇ મુજબ રૂપિયા 50,000 નું વળતર આપવામાં આવ્યું છે. જે કામદારો આ ઔદ્યોગિક અકસ્માતોમાં મોતને ભેટયા છે તેઓના પરિજનોને ગુજરાત શ્રમિક કલ્યાણ વિભાગ તરફથી રૂપિયા 1 લાખની રકમ આપવામાં આવે છે. ઔદ્યોગિક અકસ્માતો અને જોખમો સંદર્ભે પાછલાં ત્રણ વર્ષ દરમિયાન કામદારોએ 16,770 ફરિયાદો કરી છે. ફરિયાદોની સંખ્યામાં 23 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે ! કેમ ?!
સરકાર કહે છે, 599 ફોજદારી ફરિયાદ થઈ છે. કેટલાં કસૂરવારોને દંડ અથવા સજાઓ થઈ ? તે આંકડાઓ જાહેર થયા નથી. જોગવાઈઓના ભંગ બદલ કોઈ ઔદ્યોગિક એકમો સીલ થયા કે કેમ ?! તે વિગતો બહાર આવતી નથી. ટૂંકમાં ઔદ્યોગિક સલામતી ક્ષેત્રમાં લાલિયાવાડી ચાલે છે. રાજયને સમૃધ્ધ બનાવનાર ઉદ્યોગોના કામદારોની સલામતી શું ?!