Mysamachar.in:અમદાવાદ
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત નીપજ્યા છે.
મૃતકોમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે હજુ પણ 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હોય જેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર થયો છે. આ દુઃખદ ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોનાં પરિવારજનોની સાથે છે.