Mysamachar.in:રાજકોટ
રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા ચોરીના મુદામાલ સાથે ગિલોલ ગેંગની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના હુડકો પોલીસ ચોકી નજીક આવેલ ધનલક્ષ્મી જવેલર્સ નામની દુકાનમાં ગત 13 માર્ચના રોજ રાત્રીના 3.30 વાગ્યે થયેલ ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહેલ ભક્તિનગર પોલીસને માહિતી મળી કે આ તસ્કરી ગિલોલ ગેંગ દ્વારા કરવામાં આવી છે જેથી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી હતી,
પોલીસે બાતમીના આધારે દરોડો કરી ગિલોલ ગેંગના વિજય ઉર્ફે વીજલો ચારોલા, રણજિત ઉર્ફે કાળીયો, જીતેશ ઉર્ફે જીતો વાઘેલા અને કરણ ઉર્ફે દડુની ધરપકડ કરી તેની પુછપરછ કરતા આરોપીઓએ ધનલક્ષ્મી જવેલર્સમાંથી ચોરી કરેલ ચાંદીના દાગીના અને ચાંદીનો મુદામાલ ગોંડલ રોડ પર આશાપુરા ફાટક પાસે રહેતા જીતેશ નારોદાને વહેંચી દીધાની કબૂલાત આપતા પોલીસે તેની પણ ધરપકડ કરી તેની પાસેથી ચાંદીના સાંકળા, ભગવાનની ચાંદીની મૂર્તિ, કડલી સહીત ચાંદીના 1.950 કિલો દાગીના અને ચાંદીની ઈંટ 8.102 કિલો તેમજ રોકડ સહીત 3.50 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપીઓ ચોરી કરતા પહેલા એક બે દિવસ રેકી કરતા હતા અને બાદમાં ચોરીને અંજામ આપતા હતા. મકાનમાં ચોરી કરવા દરવાજો તોડવા તેમજ દુકાન હોય તો શટર ઉંચકી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા તેમજ જો ચોરી કરતા કોઈ જોઈ જાય તો તેમની પાસે રહેલ ગિલોલ થી હુમલો કરતા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી ગિલોલ ગેંગના ત્રણ આરોપીઓ વિજય, રણજિત અને જીતેશ અગાઉ પણ રાજકોટ ગોંડલ અને જૂનાગઢ ખાતે અલગ અલગ ગુનામાં પોલીસના હાથે આવી ચુક્યા છે.