જામનગર મહાનગરપાલિકાની હદ વધી જતાં શહેરનો આસપાસનો વિસ્તાર ઝડપથી માનવ વસાહતો ધરાવતો બની રહ્યો છે, અને શહેરને નવા નવા ડીપી તેમજ ટીપી રસ્તાઓ પ્રાપ્ત થઈ રહ્યા હોય, વાહનવ્યવહારની સુવિધાઓ વધી રહી છે અને તેથી શહેર વિકસી રહ્યું છે. આગામી સમયમાં શહેરને વધુ પાંચ નવા રસ્તાઓ પ્રાપ્ત થતાં આ સુવિધાઓ વધશે.
જામનગર મહાનગરપાલિકાની TPDP શાખાએ આપેલ માહિતી અનુસાર, મ્યુ કમિશનર ડી.એન.મોદીના સઘન માર્ગદર્શનમાં dmc દેવેન્દ્રસિંહ ઝાલા, આસી કમિશનર ભાવેશ જાની, એસ્ટેટના કન્ટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવા દ્વારા
વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 એમ બે વર્ષ દરમ્યાન શહેરને કુલ 14 નવા રસ્તાઓ ખુલ્લા કરી આપવામાં આવ્યા છે. જેમાં 5 DP એટલે કે ડેવલપમેન્ટ પ્લાન અનુસારના રસ્તાઓ અને 9 TP એટલે કે ટાઉન પ્લાનિંગ મુજબના રસ્તાઓનો સમાવેશ થાય છે.
આ બે વર્ષ દરમ્યાન ટીટોડી વાડી-ઘાંચી ખડકી, કનસુમરા રેલ્વે ટ્રેક પાસે, મિગ કોલોની, જકાતનાકા સમર્પણ સર્કલ, સ્વામી નારાયણનગરથી ગાંધીનગર, હાઈવે નજીક ગઢવી સમાજવાડી, શાંતિ પાર્ટી પ્લોટ પાસે, હાપા રેલ્વે સ્ટેશન તરફનો રોડ, યોગેશ્વર મંદિર રોડ, ઈસ્કોન મંદિર નજીક તથા રાધિકા સ્કૂલ નજીક એમ કુલ 14 રસ્તાઓ બન્યા. જે પૈકી અમુક કામો હાલ ચાલુ છે.
આગામી સમયમાં ક્યા પાંચ નવા રસ્તાઓ મળશે ?…
આગામી સમયમાં 3 નવા DP રસ્તાઓ- જૂના જકાતનાકાથી વિજયનગર ફાટક, આશાપુરા હોટેલથી બાયપાસ અને ગુજરાત ગેસથી વિભાપર સુધીના રસ્તાઓ બનશે. આ ઉપરાંત બે TP રસ્તાઓ- ઠેબા ચોકડી બાયપાસને જોડતો માર્ગ અને પીવીઆર સિનેમાઘર પાછળનો રોડ બનશે.