Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
સમગ્ર હાલાર સહીત રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અંધશ્રદ્ધાની આડમાં મહિલાને ગરમ સાંકળ વડે માર મારી મોતને ઘાટ ઉતારવાના મામલે પોલીસ હરકતમાં આવી છે અને જેની સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો તે પાંચેય શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, આ ઘટનામાં દ્વારકા તાલુકાના ઓખા મઢીની સીમમાં મેલડી માતાના મંદિરે નવરાત્રી તહેવારની ઉજવણી કરવા ગયેલ પરિણીત મહિલા રમીલાબેન ધુણવા લાગતા પરિવારના આરોપી શખ્સો રમેશ લખમણ સોલંકી, અર્જુન ઉર્ફે ભૂરી ભરતભાઇ સોલંકી, વેરશી માકાભાઈ સોલંકી, મનું વીરા સોલંકી તથા ભાવેશ મકાભાઈ સોલંકી નામના પાંચ શખ્સોએ કહેલ કે ‘’આ મસાણની મેલડી છે, આને મારો નહિતર આપણે બધાને મારી નાખશે.’’ તેમ કહી લોખંડની સાંકળ ચૂલામાં તપાવી ધગધગતી સાંકળથી વારા ફરતી મહિલાના શરીરે માર મારી, સળગતા લાકડાથી શરીરે ડામ આપતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ મામલે મૃતકના પતિ વાલાભાઈ સોલંકીની ફરિયાદ પરથી પોલીસે ઉક્ત પાંચેય આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ પીઆઇ પી.બી.ગઢવીએ હાથ ધરી છે. પોલીસે આ ચર્ચાસ્પદ બનેલ મામલે પાંચેય આરોપીની ધરપકડ કરી છે.