Mysamachar.in-જામનગર:
શાસનવ્યવસ્થા કોઈ પણ હોય – લોકશાહી, પ્રમુખશાહી કે તાનાશાહી-દરેક વ્યવસ્થામાં ખામીઓ કે ત્રુટિઓ અથવા મર્યાદાઓ હોય છે અને તેથી ઉલટું તેમાં ખૂબીઓ પણ હોય છે. ચૂંટણી પરિણામોમાં જિત મેળવનારને સિકંદરનો ખિતાબ મળે છે ! ખરેખર તેઓ સિકંદર લેખાય ?! તેમનાં મતવિસ્તારમાં હજારો લોકોને તો સિકંદર તરીકે માન્ય પણ નથી હોતાં ! હજારો મતદારો તો એવાં હોય છે જેઓ કોઈને પણ સિકંદર ગણવા રાજી જ નથી હોતાં ! આ હજારો મતદારોનો પ્રતિનિધિ કોણ ?! જવાબ: પ્રતિનિધિ સંદર્ભે આ હજારો મતદારો અનાથ હોય છે ! તેઓનો અવાજ શાસનમાં કોઈ જ ન સાંભળે ! અને હવેનાં સમયમાં તો આંદોલનો અને હડતાળની પણ મનાઈ ! આ હજારો લોકોનું કોણ ?! કોઈ નહીં !!
જામનગર શહેરની બે અને જિલ્લાની ત્રણ મળી કુલ પાંચ વિધાનસભા બેઠકો પર ગત્ પહેલી ડિસેમ્બરે ધારાસભ્ય ચૂંટવા મતદાન થયું. જિલ્લાનાં કુલ 12 લાખ કરતાં વધુ મતદારો માટે આ ચૂંટણી હતી. જે પૈકી ચાલીસ ટકા મતદારો તો જુદાં જુદાં કારણોસર મત આપવા જ ન ગયા, અથવા લગ્નો કે અન્ય કામોને કારણે મત આપવા ન પહોંચી શક્યા ! લાખો મતદારો ચૂંટણીથી દૂર !! આ સ્થિતિમાં જે પ્રતિનિધિ ચૂંટાઈ, તે સમગ્ર મતવિસ્તારના મતદારોનો પ્રતિનિધિ કેવી રીતે કહેવાય ?! લોકશાહીની આ એક ત્રૂટિ છે, જેનું યોગ્ય નિરાકરણ શોધવું જરૂરી છે. પરંતુ સુપ્રિમ કોર્ટ કહે છે: મતદાન ફરજિયાત ન બનાવી શકાય. બીજી બાજુ વિશ્વમાં 32 દેશો એવા પણ છે જ્યાં મતદાન ફરજિયાત પણ છે. અને, 19 દેશ તો એવાં પણ છે જ્યાં ફરજિયાત મતદાનમાં ભાગ ન લ્યો તો સજા થાય.
આપણે એક સાદું ઉદાહરણ સમજીએ. કોઈ એક વિધાનસભા મતવિસ્તારમાં ધારો કે એક લાખ મતદારો છે. જે પૈકી 40 ટકા એટલે કે, 40,000 મતદારો મતદાન નથી કરતાં. બાકીનાં 60,000 મતમાંથી ધારો કે, 27,000 મત પ્રાપ્ત કરનાર વિજેતા જાહેર થાય છે. 60,000 પૈકી 33,000 મતો અન્ય બે ત્રણ રાજકીય પક્ષોનાં ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો અને NOTA માં જાય છે.
-તો, 27,000 મત મેળવનાર વિજેતા, પરિણામની દ્રષ્ટિએ ભલે સિકંદર કહેવાય. તે ધારાસભ્ય બાકીનાં 73,000 મતદારોને તો માન્ય જ નથી ! આ સ્થિતિમાં આ 73,000 મતદારોનો અવાજ ધારાસભામાં કોણ પહોંચાડે ?! કેવી રીતે પહોંચાડે ?! અને, મત આપનાર મતદારે પણ ધારાસભ્યને કામ માટે ‘ગોતવા’ પડતાં હોય, એ સ્થિતિમાં એ ધારાસભ્યને મત ન આપનાર મતદારને પોતાની વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવા શું કરવું ?! સરકારી તંત્રો તો આમ પણ ‘ નકામાં ‘ નું ટેગ ધરાવે છે ! આ સ્થિતિમાં મોટાભાગના મતવિસ્તારમાં મોટાભાગના મતદારો’અનાથ ‘ જેવી સ્થિતિમાં જીવતાં હોય છે, આ છે આપણી વાસ્તવિકતા ! જ્યાં સિકંદર ઘણાં પરંતુ તેઓનો વિજય વાસ્તવિક નથી હોતો, આંકડાઓની રમત માત્ર હોય છે !
રાષ્ટ્રીય કક્ષાથી માંડીને છેક પંચાયત કક્ષા સુધીની ચૂંટણીઓ માટે આપણે સૌએ હવે અલગ વિચારવાની આવશ્યકતા છે, એવું આપને નથી લાગતું ? આપણને વર્તમાન વ્યવસ્થાનો પંચોતેર વર્ષનો અનુભવ છે. આપણે અમૃત મહોત્સવ પણ ઉજવી લીધો. જામનગરમાં મતદાન પછીનાં બે દિવસ દરમિયાન, નગરજનો અને મહાનુભાવો સાથે ચૂંટણી સંબંધી જે વાતચીતો થઈ, તેનો સાર સંક્ષેપમાં રજૂ કરવાનો આ પ્રયાસ છે.