Mysamachar.in-વલસાડ
દેશના અર્થતંત્રને ખોખલું કરવાના રેકેટનો વધુ એક વખત પર્દાફાશ ગુજરાતમાં થયો છે આ વખતે વલસાડના ધરમપુરમાં રૂ.500ની નકલી નોટ પધરાવવાના આંતરરાજ્ય કૌભાંડનો જિલ્લા એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા આ બોગસ ચલણી નોટોના રેકેટમાં ધરમપુરના એક રિક્ષાચાલક સહિત 4 ઇસમને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ.500ના દરની 148 જેટલી ડુપ્લિકેટ નોટ મળી આવતા આ રેકેટના તાર હજુ લાંબા હોવાનું જાણવા મળે છે,
ધરમપુરના સમડી ચોક વિસ્તારમાં જૂની કેરી માર્કેટના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. એક રિક્ષા નં.GJ-15-AU-6764નો ચાલક ઝિપરુભાઇ સંતાભાઇ ભોયા રૂ.500ના દરની નકલી નોટ માર્કેટ વિસ્તારમાં વટાવતો હોવાની બાતમી મળી હતી. જેને લઇ પોલીસે સ્થળ ઉપર પહોંચી રિક્ષાચાલકને ડુપ્લિકેટ 60 નોટ સાથે દબોચી લીધો હતો.તેની પ્રાથમિક પુછપરછ હાથ ધરાતા આ કૌભાંડમાં સંડોવાયેલા પરસે ઉર્ફ પરશુ મલાભાઇ પવાર, ચિંતુ ઝિપરભાઇ ભુઝડ અને વેપારી પાર્થ નિલેશભાઇ શાહ તમામ રહે.ધરમપુરનાઓ પાસેથી 88 જેટલી ડુપ્લિકેટ નોટ સાતે ઝડપી લીધા હતા.
આ તમામ પાસેથી પોલીસે રૂ.500ના દરની કુલ 148 ડુપ્લિકેટ નોટ કબજે કરતાં આખું નેટવર્ક સામે આવ્યું હતું.આ નકલી નોટો ક્યાં ક્યાંવટાવવામાં આવી છે અને હજુ કેટલા લોકો આ રેકેટમાં સામેલ છે. તે દિશામાં પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, પોલીસે ધરમપુરના આરોપીઓની કડક પૂછતાછ કરતાં ડુ્પ્લિકેટ નોટ છાપવાનું ષડયંત્ર મહારાષ્ટ્રના ગુંદી નામના ગામે ચાલી રહ્યું છે.બોર્ડરના ધરમપુરને લાગુ ગામોની ભોળી પ્રજાને છેતરવા ડુપ્લિકેટ નોટ પધરાવાઇ રહી હોવાની કેફિયત માલુમ પડી છે. મહારાષ્ટ્રના અનિલ નામનો એક આરોપી રૂ.500ની નોટનું સ્કિનિંગ કરી ડુપ્લિકેટ નોટનું પ્રિન્ટિંગ મશીનમાં છાપી અને કટિંગ કરી ગુજરાતની બોર્ડરના ગામોમાં ધરમપુરના મળતિયાઓ સાથે મળીને ઘૂસાડતો હોવાનું બહાર આવ્યું છે.
મહારાષ્ટ્રના ગુંદીમાં અનિલ નામના ઇસમ દ્વારા ડુપ્લિકેટ નોટ છાપી બોર્ડરના ધરમપુરમાં નોટ ફેરવવા તગડુ કમિશન અપાતું હતું.ઝિપરુ નામના આરોપીની પુછપરછમાં પરસુએ ચિંતુને 30 ટકા કમિશને નોટ આપી હતી. ધરમપુરના એક વેપારીએ આ ડુપ્લિકેટ નોટ 50 ટકાના કમિશન પર ખરીદી હતી.આરોપી પરસુ પાસેથી મળલી માહિતી મુજબ તેને જયસિગ તથા હરસિંગે નોટ આપી હતી. આ તમામ નોટો મહારાષ્ટ્રના અનિલ નામનો ઇસમ પોતાના ઘરે કોમ્પ્યુટર સ્કેનર અને પ્રિન્ટરની મદદથી છાપી અને આપતો હતો.