Mysamachar.in-બનાસકાંઠા:
આજે સોમવારે વહેલી સવારે એક ખાનગી લકઝરી બસનો અકસ્માત થયો છે. યાત્રાધામ અંબાજીથી પરત ફરી રહેલી આ લકઝરી બસ અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માતનો ભોગ બની હતી, જેમાં 4 લોકોના મોત થયા છે અને બસના 45 પ્રવાસીઓ ઘાયલ થયા છે.
જાહેર થયેલી વિગતો અનુસાર, કઠલાલ ગામના પચાસેક જેટલાં ભાવિકો નવરાત્રિ હોવાથી દર્શન માટે અંબાજી ગયા હતાં. આ ભાવિકો આજે વહેલી સવારે ગાયત્રી ટ્રાવેલ્સની બસમાં અંબાજીથી કઠલાલ પરત ફરી રહ્યા હતાં ત્યારે, અંબાજી અને દાંતા વચ્ચેના માર્ગ પર ત્રિશૂલીયા ઘાટ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારનો ભોગ લેવાયો છે. 45 ઘાયલો પૈકી જેમને વધુ ઈજાઓ થઈ છે તે 15 લોકોને નજીકની પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, ત્રિશૂલીયા ઘાટના જોખમી વળાંક પર આ બસ તેજ ગતિએ દોડી રહી હતી. એમ પણ કહેવાય છે કે, બસચાલકે નશો કર્યો હતો. ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતાં બસ ડિવાઇડર કૂદાવી સામેના મેદાનમાં ધસી ગઈ હતી. પાલનપુર પોલીસ અકસ્માતની વિગતો મેળવી રહી છે.
