Mysamachar.in-જામનગર:
શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલી બનાવી છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે. જામનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) પ્રથમ તબ્બકો- અંતર્ગત વર્ષ 2015 થી વર્ષ 2022 સુધીમાં કુલ 252.15 કરોડના ખર્ચે 3376 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી ચાલુ વર્ષે 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોલીસ હેડક્વાર્ટર પાછળ, શરુ સેક્શન રોડ પર નિર્માણ પામેલા 544 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાની સફળતાના પરિણામે સપ્ટેમ્બર 2024થી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હાઉસિંગ ફોર ઓલ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતભરમાં વર્ષ 2029 સુધીમાં 1 કરોડ પાકાં ઘરો બાંધવાની યોજના છે.