Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર ગુજરાતમાં વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં દોડી રહ્યા છે, જેને પરિણામે રાજ્યમાં ટોલટેક્સ કોન્ટ્રાક્ટરોની આવકમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે, તેની સામે રાજ્યમાં નેશનલ હાઈવેના 31 પ્રોજેકટ એવા છે જેનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ થયો નથી અને આ તમામ પ્રોજેકટ પડતર પડ્યા છે. આ તમામ માહિતી સંસદમાં મૂકવામાં આવેલી છે.
ગુજરાતમાં વાહનચાલકોએ 7 વર્ષ દરમિયાન કોન્ટ્રાક્ટરોને રૂ. 24,000 કરોડનો ટોલટેક્સ ચૂકવ્યો છે. આમ છતાં વાહનચાલકોને સારાં રોડ-રસ્તાઓની સુવિધાઓ આપવામાં આવતી નથી. ગુજરાતમાં ટોલટેક્સ વસૂલવા કુલ 46 ટોલ પ્લાઝા ઉભા કરવામાં આવ્યા છે. છેલ્લા 5 જ વર્ષમાં નવા 10 ટોલ પ્લાઝા ઉભા કરી દેવામાં આવ્યા. તેની સામે રાજ્યના માર્ગ સલામતી મંડળની વેબસાઈટ પર કહેવાયું છે કે, છેલ્લા 4 જ વર્ષમાં રાજ્યમાં 28,630 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. જે પૈકી 7,682 લોકોના મોત નેશનલ હાઈવે પર થયા છે. નેશનલ હાઈવે પણ વાહન ચલાવવા માટે સલામત નથી ?! છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં નેશનલ હાઈવે પૈકીના 622 કિમી માર્ગોને નુકસાન થયું છે.
વર્ષ 2022-23 તથા 2023-24 માં રાજ્યમાં નેશનલ હાઈવેના સમારકામ અને રખરખાવ પાછળ રૂ. 1,334 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી ટોલટેક્સ સતત વધી રહ્યો છે. દેશમાં 2014 પછી નેશનલ હાઈવેના જે પ્રોજેકટ શરૂ થયા તે પૈકી 697 પ્રોજેકટ એવા છે જેનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ થયો નથી, આ પૈકી 31 પ્રોજેકટ ગુજરાતમાં છે.(file image source:google)