Mysamachar.in-ગાંધીનગર
કેટલાય શખ્સો શોર્ટકટ રસ્તો અપનાવવા નકલી ચલણી નોટો છાપી અને બજારમાં ફરતી કરતા હોય છે, આવા જ વધુ એક ગુન્હાનો પર્દાફાશ ગાંધીનગર પોલીસે કર્યો છે, પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 30 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપીને આ ગંભીર ગુન્હાનો પર્દાફાશ કર્યો છે, ગાંધીનગરનાં ગ્રામ ભારતી પાસેથી 30 લાખની નકલી નોટો સાથે ગાંધીનગર સરગાસણમાં રહેતા સંતોષ કચરાભાઈ રાવળને માણસા પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લઈ નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરનો યુવાન પોતાના ઘરે જ ઈલેક્ટ્રોનિક સાધનો વડે નકલી નોટો છાપીને વિજાપુરમાં સપ્લાય કરવાં નિકળ્યો હતો, તે દરમિયાન જ માણસા પોલીસની સતર્કતાથી તેને ઝડપી લેવાતા નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થવા પામ્યો છે. માણસા પોલીસે યુવકની પાસેથી 2000, 500 તેમજ 100નાં દરની નકલી નોટોનો 30 લાખનો જથ્થો ઝડપી લઈ આ શખ્સની ધરપકડ કરી છે.
સંતોષ કચરાભાઈ રાવળ જેની પાસે કાળા રંગનો ભારેખમ થેલો હોવાથી તે થોડો અસ્વસ્થ જણાતો હતો. જેથી પોલીસે થેલાની તપાસ કરી હતી. થેલામાં રૂપિયા ભરેલા બંડલો જોઈને પોલીસ કાફલાની આંખો પહોળી થઈ ગઈ હતી. બાદમાં માણસા પોલીસે નોટોના બંડલ કાઢીને જોતા એકદમ નવીન નોટો જણાઈ આવી હતી. આટલો મોટો જથ્થો બાઈક પર લઈને નીકળેલા સંતોષને પૃચ્છા કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી રહ્યો ન હતો. જેથી પોલીસે બારીકાઈથી નોટોની ચકાસણી કરતા 2000, 500, અને 100નાં દરની ચલણી નોટોનાં બંડલ એક જ સરખા સિરિયલ નંબરના જણાઈ આવ્યા હતા.
માણસા પોલીસ જુદા જુદા દરની નોટોની ખરાઈ કરવા માટે એફએસએલ તેમજ બેંકના અધિકારીઓની ટીમને બોલાવી લેવામાં આવી હતી. જે ટીમ દ્વારા બારીકાઈથી નોટોનું પુથકરણ કરવામાં આવ્યું હતું જેમાં નકલી નોટો હોવાનો ખુલાસો થયો હતો. પ્રાથમિક રીતે નોટોની સાઈઝ અને ક્વોલિટી નબળી ગુણવત્તાની મળી આવી હતી. બાદમાં તપાસ ટીમે વધુ ઝીણવટપૂર્વક નોટોની ચકાસણી કરતા નોટો પર ઈન્ટીગ્લો પ્રિન્ટ તેમજ વેરિયેબલ ઇન્ક પણ જોવા મળી ન હતી પણ સિક્યુરિટી થ્રેડની માત્ર પ્રિન્ટ નોટો પર મળી આવી હતી. જેનાં અંતે તમામ નોટો નકલી હોવાની પુષ્ટિ થઈ હતી.
માણસા પોલીસનો કાફલો સંતોષ રાવળના ઘરે સરગાસણ તેને લઈને આવી પહોંચી હતી. જ્યાં પ્રિન્ટર, સ્કેનર સહિતના ઈલેક્ટ્રોનિક સાધનોની મદદથી તે નકલી નોટોનો જથ્થો છાપતો હોવાની કબૂલાત કરી હતી. જે નકલી 30 લાખની નોટો છાપીને થેલામાં લઈ વિજાપુર લઈ જતો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલમાં પોલીસે વિજાપુરનું કનેક્શન શોધવા માટે તેમજ તેણે અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો ફરતી કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.