Mysamachar.in-વલસાડ
વલસાડ જિલ્લાનાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ગોઝારી ઘટના બની હતી. જેમાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. મોડી રાત્રે નેશનલ હાઈવે પર પારડી નજીક 3 ટેમ્પો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકા સાથે ટક્કર થતાં 2 વાહનોમાં થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને જોતા હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો અને આસપાસના લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતા. જોકે આગ લાગતાં ટેમ્પોના ચાલકો અંદર જ ફસાઈ ગયા હતા. જેમાં એકનું ટેમ્પોમાં જ સળગી જતા કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે ચાલકોને લોકોએ જીવના જોખમે બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે કમનસીબે વધુ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ આ ઘટનામાં 2 ના કમકમાટીભર્યાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
મળી રહેલ માહિતી મુજબ ટ્રકમાં આવેલી ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગની ઘટના બની બની હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું. ટ્રકની ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાને લઈને ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. ટ્રકમાં લાગેલી આગની જ્વાળાઓએ ટ્રકમાં સવાર 2 ટ્રક ચાલકોને આગની ઝપેટમાં લઈ લીધા હતા. ચંદ્રપુરના સ્થાનિક લોકોએ એક ટ્રક ચાલકને બચાવી ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ આગની જ્વાળાઓએ તેનો જીવ લઈને શાંત થઈ હતી. બનાવની જાણ વલસાડ અને પારડીના ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મોડી રાત્રે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હાઇવે પરથી દુર કરી વાહન વ્યવહાર યથાવત્ કરાવ્યો હતો અને ભોગ બનેલા ચાલકોની ઓળખ અને વાહન માલિકો અંગે તપાસ હાથ ધરી હતી.