Mysamachar.in-અમદાવાદ:
આજના ટેકનોલોજીના સમયમાં કેટલાય શાતીર દિમાગ શખ્સો પોતાનો દિમાગ લડાવી અને યેનકેન પ્રકારે ઠગાઈ આચરતા હોય છે, ત્યારે અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમે એવા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે જેની મોડસ ઓપરેન્ડી જાણી એક તબક્કે પોલીસ પણ વિચારતા રહી ગઈ હતી. અમદાવાદ સાયબર ક્રાઇમે એવા ભેજાબાજોને પકડ્યા છે, જેઓ ઓનલાઈન ચીટીંગ નહીં પણ એટીએમની અંદર જ ચીપ લગાવી દેતા હતા અને જે ચીપની મદદથી કોઈ વ્યક્તિનું ટ્રાન્જેક્શન ન થાય અને તેમના ગયા બાદ તેમના રૂપિયા ઉપાડી લેતા હતા. જે માટે તેઓ રીતસર એટીએમનું સર્વર ડાઉન કરવા માટે પ્રયાસ કરતા હતા અને જેના કારણે કંટાળીને ગ્રાહક જતો રહેતો હતો, ત્યારબાદ તેઓ પોતાનો ખેલ શરૂ કરતા હતા. જેમાં તેઓ જે એમાઉન્ટ નાખી હોય તે વ્યક્તિ ઉપાડી ન શકે એટલે તેમના ગયા બાદ તે રૂપિયા ફેરવી લેતા હતા. આવી રીતે એક બે નહીં પણ ત્રણ જેટલા એટીએમમાં હાથફેરો કર્યો હોવાનું હાલ પોલીસ માની રહી છે,
સાયબર ક્રાઇમે પકડેલા આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. આ તમામ આરોપીઓએ એક એવી ખાસ પ્રકારની ચીપ બનાવી. જેના લીધે ATMમાં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા. એલ્યુમિનિયમના ધાતુવાળી વાય આકારના ચીપિયા બનાવ્યા હતા. જે ચીપિયાને ATM મશીનમાંથી જે જગ્યા પરથી પૈસા નીકળતા હોય છે, ત્યાં સુ-વ્યવસ્થિત મૂકી દેવામાં આવતી હતી અને જ્યારે ATM ધારક પોતાનું એટીએમ કાર્ડ લઈને મશીનમાં નાખે અને પાસવર્ડ એન્ટર કરે અને પૈસા નીકળવાનો અવાજ પણ આવે અને પૈસા બહાર નીકળે નહી, ત્યારે આ એલ્યુમિનિયમના બનાવેલા ચીપિયાની અંદર તમામ રોકડ રકમ ફસાઈ જતી હોય છે અને ગ્રાહક એટીએમ મશીનમાંથી બહાર જતો રહે છે. બાદમાં થોડા સમયમાં જ આ ગેંગ એટીએમમાં પ્રવેશ કરી આ ચિપિયાની બહાર કાઢીને ચીપિયામાં ભરાવેલા રૂપિયા બહાર કાઢીને ફરાર થઇ જાય છે.
અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે, જેમણે વગર પાસવર્ડ એટીએમ મશીનમાંથી રૂપિયા કાઢી નાખ્યા છે. જેમાં રોહિત સિંગ, વિમલ પાલ, તથા ધીરેન્દ્ર કુમાર પાલ નામના ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે અને મુખ્ય આરોપી આશોકસિંહ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ પ્રકારની પૈસાની ઉઠાંતરી દરેક એટીએમમાં થઈ શકે છે, પરંતુ આ ગેંગ દ્વારા માત્રને માત્ર SBI બેંકના એટીએમ નેજ નિશાન બનાવવામાં આવતા હતા. તેનું એક માત્ર કારણ એ પણ આરોપીઓએ જણાવ્યું હતી કે, SBI બેંકના એટીએમની બહાર કોઈ સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહેતો ન હતો. જેના કારણે આરોપીઓ ખૂબ જ સરળતાથી પોતાના કામને અંજામ આપી શકતા આ ગેંગ ગુજરાતના અન્ય બીજા ક્યાં ક્યાં શહેરોમાં અને ભારતના બીજા ક્યાં ક્યાં રાજ્યોમાં જઈને ATM મશીનમાંથી ઉઠાંતરી કરી છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.