Mysamachar.in-બનાસકાંઠા:
લોકસભા ચૂંટણીઓની આચારસંહિતા અમલમાં હોય, સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં રોકડ રકમ, સોના ચાંદી અને ડ્રગ્સ સહિતની ચીજોની બેનંબરી હેરફેર ઝડપાઈ રહી છે. સામાન્ય દિવસોમાં આવી ચીજો આ રીતે ઝડપાતી ન હોય, લોકો તંત્રોની કામગીરીઓને અલગ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. આવો વધુ એક કિસ્સો ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદ પર જાહેર થયો છે, જ્યાં જામનગરના 3 શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા હોવાનું ત્યાંની સ્થાનિક પોલીસે જાહેર કર્યું છે.
ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલાં બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ ઘણી બધી બાબતો માટે ચર્ચાઓમાં રહેતી હોય છે. આ ચેકપોસ્ટ પરની પોલીસે જાહેર કર્યું છે કે, એક કારમાંથી 1.720 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર જામનગર પાસિંગ ધરાવે છે. રાજસ્થાનથી આવી રહેલી આ કારમાં સવાર ત્રણેય શખ્સો જામનગરના છે. ડ્રગ્સના આ જથ્થાની કિંમત રૂ. 1.07 કરોડ આંકવામાં આવી છે અને આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું જાહેર થયું છે. આ શખ્સોએ આ ડ્રગ્સ કયાંથી, કોની પાસેથી લીધું અને ક્યાં લઈ જવામાં આવતું હતું વગેરે વિગતો તપાસમાં ખૂલી શકે.
અમીરગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સોના નામ: ઈસરાક આરિફ બલોચ (65,અમન સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર), સોહેલ ઓસમાણ સંધિ (નદીપા, ત્રણ દરવાજા પાસે, જામનગર) અને અસલમ અબ્દુલસતાર દરજાદા ( શિશુવિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર). એવું માનવામાં આવે છે કે, આ શખ્સો અજમેર તરફથી આવી રહ્યા હતાં. આ ક્રેટા કારનો નંબર GJ-10-DJ-3448 છે. જેમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું હોય પોલીસે કાર અને ડ્રગ્સ વગેરે મળી કુલ રૂ. 1,16,49,400 નો મુદ્દામાલ કબજે લીધો છે. આ ત્રણેય શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને ડ્રગ્સનો નાતો ઘનિષ્ઠ અને પુરાનો છે. સમગ્ર હાલાર પંથક ડ્રગ્સ અને દાણચોરી મુદ્દે દાયકાઓથી કુખ્યાત છે.