Mysamachar.in-અમદાવાદ:
દેશભરમાં દાયકાઓ જૂના ક્રિમિનલ કાયદાઓ ચાલી રહ્યા છે. જે પૈકી 3 કાયદાઓનો અમલ હવે બંધ થશે અને તેના સ્થાને 3 નવા ક્રિમિનલ કાયદાઓ બનાવી લેવામાં આવ્યા છે. આ નવા કાયદાઓના અમલ પહેલાં, આ કાયદાઓનો અમલ કેવી રીતે કરવાનો છે એ અંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ તાલીમ આપવાની થાય છે. આ તાલીમ આપવા પોલીસ વિભાગમાં માસ્ટર ટ્રેનર તરીકે ચોક્કસ લોકોની પસંદગીઓ કરવામાં આવશે. આ પ્રક્રિયાઓ તેજ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
કેન્દ્રની સરકારે જાહેર કર્યું છે કે, 1 જૂલાઈ-2024થી ઈન્ડિયન પિનલ કોડ IPC-1860ની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતા-2023 અમલમાં આવશે. ક્રિમિનલ પ્રોસિજર કોડ CrPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023નો અમલ થશે. ઈન્ડિયન એવિડેન્સ એકટ-1872ની જગ્યાએ હવે ભારતીય સાક્ષી અધિનિયમ લાવવામાં આવશે.
આ નવા 3 ક્રિમિનલ કાયદાઓ અમલમાં લાવતાં અગાઉ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેના અમલની તાલીમ આપવી જરૂરી હોય, તે માટેની કસરતો ગુજરાતના ગૃહ વિભાગમાં શરૂ થઈ છે. આ માટે રાજ્યના પોલીસ તાલીમ વિભાગે દરેક શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓને હુકમ કર્યો છે કે, તમારાં વિભાગમાંથી અને પોલીસની વિવિધ શાખાઓમાંથી ત્રણચાર લોકોની યાદીઓ મોકલાવો.
આ તમામ લોકોને નવા કાયદાઓના અમલ માટેની તાલીમ આપી માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવશે. બાદમાં તેઓ પોલીસ વિભાગમાં દરેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આ માટેની તાલીમ આપશે. જો કે આ બધી બાબતોમાં ઘણો સમય નીકળી જશે અને શરૂઆતમાં નવા ક્રિમિનલ કાયદાઓના અમલમાં અડચણો આવશે અને સમસ્યાઓ ઉભી થશે. આ સમસ્યાઓ ધીમે ધીમે નિવારી શકાશે. 2025થી અમલની ગાડી સરખી રીતે પાટે ચઢશે એમ જાણકાર સૂત્ર કહે છે.
નવા ક્રિમિનલ કાયદાઓનો આ રીતે તાલીમ બાદ અમલ શરૂ થતાં, કેવી રીતે ફરિયાદ દાખલ કરવી, ઈન્વેસ્ટીગશન અને આરોપનામું એટલે કે ચાર્જશીટ કેવી રીતે તૈયાર કરવું, કેવી રીતે ફાઈલ કરવું વગેરે ફોજદારી કામોમાં ઘણાં ફેરફારો આવશે. સામાન્ય રીતે દરેક પોલીસ સ્ટેશનમાંથી બે PSI, બે ASI અને એકાદ શાખામાંથી એક PI ને આ તાલીમ આપવામાં આવશે, એમ માનવામાં આવે છે.
જે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓએ ત્રણ વર્ષની નોકરી પૂર્ણ કરી લીધી હોય, સ્વચ્છ રેકોર્ડ ધરાવતાં હોય, તાલીમ આપવાની ક્ષમતા અને પ્રતિભા ધરાવતાં હોય, PSI કે તેની ઉપરની રેન્ક ધરાવતાં હોય તેવા લોકોને પસંદ કરવામાં આવશે અને આ કામગીરીઓ માટે ACP કક્ષાના એક અધિકારીને નોમિનેટ કરવાના રહેશે.