Mysamachar.in-જામનગર:
કેટલાંક લોકો એમ વિચારતા હોય છે કે, જામનગર પોલીસને સરકાર તરફથી ઘણાં વાહનો આપવામાં આવ્યા છે તેથી પોલીસ પેટ્રોલિંગ વધશે અને લોકો નિશ્ચિંત બની ઉંઘી શકશે, જિવી શકશે. પરંતુ આ લોકમાન્યતા કરતાં જમીની હકીકત અલગ છે. તસ્કરો પોતાના ધંધા માટે દોડધામ કરી રહ્યા છે અને પોલીસ ખુદમાં મસ્ત છે !
જામનગર શહેર અને જિલ્લામાં માત્ર 2 જ દિવસમાં લૂંટના 3 બનાવ નોંધાતા પોલીસની કહેવાતી સક્રિયતા અંગે ચર્ચાઓ થઈ રહી છે. વાહન ચેકિંગ અને ખાસ નાઈટ ચેકિંગ ડ્રાઈવ પોલીસનો ફેવરિટ વિષય છે પરંતુ જ્યારે લૂંટની ઘટના બને છે, આરોપીઓ પોતાના ઠેકાણાં સુધી સલામત પરત પહોંચી જાય છે ત્યારે, આ આરોપીઓ ખાસ નાઈટ ડ્રાઈવ કે રેગ્યુલર પેટ્રોલિંગમાં ઝડપાઈ કેમ નથી જતાં ? એવા પ્રશ્નો સપાટી પર આવ્યા છે.
જામનગર જિલ્લાના જોડિયામાં તાલુકા મથકથી 29 કિલોમીટર દૂર આવેલાં બોડકા ગામમાં શુક્રવારે રાત્રે એકાદ વાગ્યે લૂંટની એક ઘટના બની હોવાની ફરિયાદ બોડકા ગામના જશવંતીબેન જગદીશભાઈ ગડારાએ પોલીસમાં નોંધાવી. એમના કહેવા અનુસાર, એક અજાણી મહિલા અને ત્રણ અજાણ પુરૂષ, જે ચારેય યુવાન વયના હતાં તેમણે લૂંટને અંજામ આપ્યો.
80 વર્ષના જશવંતીબેન કહે છે : તેઓ ઘરના ફળિયામાં ખાટલો ઢાળીને સૂતાં હતાં ત્યારે આ લૂંટારા ત્રાટક્યા હતાં. એક શખ્સે મારૂં મોં દબાવી દીધું..અન્ય બે શખ્સે મારાં હાથપગ પકડી રાખ્યા અને મારાં કાનમાંથી આશરે રૂ. 40,000ની કિંમતની એક તોલા સોનાની બુટી તથા મારાં બટવા(પાકીટ)માંથી રૂ. 7,000ની લૂંટ ચલાવી.
આ ઉપરાંત અન્ય એક ફરિયાદ જિરાગઢ ગામની છે. જેમાં જણાવાયું છે કે, ગત્ તા. 8 ના રાત્રે બે વાગ્યા આસપાસ ફરિયાદી રંભાબેન પરબતભાઈ ચોટલીયા(80) પોતાના ઘરમાં સૂતાં હતાં ત્યારે, તેમના ઘરના દરવાજાને પાટુ (લાત) લગાવી યુવાન વયના બે પુરૂષ અને એક મહિલા ઘરમાં ઘૂસી ગયા. આ વૃદ્ધાને બંધક બનાવી લીધાં, મોઢું દબાવી દીધું. બાદમાં આ ત્રણ પૈકીની મહિલાએ વૃદ્ધાના કાનમાંથી આશરે રૂ. 24,000ની કિંમતની 6 ગ્રામ વજનની સોનાની બુટી લૂંટી લીધી.
પોલીસ ચોપડે નોંધાયેલી લૂંટની ત્રીજી ઘટના જામનગર શહેરની છે. આ બનાવ લાલપુર બાયપાસ નજીક સમાણા રોડ પર આવેલી જે.જે.જશોદાનાથ સોસાયટીમાં બન્યો છે. ગત્ શનિવારે રાત્રે પ્રફુલ્લભાઈ લખમણભાઈ ભાડજા અને તેમનો પરિવાર સૂતો હતો ત્યારે, તેમના મકાનમાં બે આરોપીઓ ઘૂસી ગયા જે પૈકી એક આરોપી પાસે હથિયાર હતું.
આ બંને આરોપીઓએ પ્રફુલ્લભાઈના માતા જ્યાં સૂતા હતાં એ રૂમનો દરવાજો ખટખટાવ્યો, વૃદ્ધાએ દરવાજો ખોલ્યો, આરોપીઓએ વૃદ્ધાને નીચે પછાડી, પગ નીચે દબાવી તેમના એક કાનમાંથી આશરે રૂ. 50,000ની કિંમતની દસેક ગ્રામ વજનની સોનાની બુટી લૂંટી ગયા. પ્રફુલ્લભાઈએ આ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરના દૂરના ઘણાં વિસ્તારો એવા છે જ્યાં રાત્રે દસ અગિયાર વાગ્યા બાદ સન્નાટો પ્રસરી જતો હતો હોય છે, આવા સૂમસામ વિસ્તારોમાં ચોરી-લૂંટ થતાં રહે છે. લોકો ફફડતા રહે છે અને પોલીસ પેટ્રોલિંગની અવારનવાર માંગ પણ કરતાં હોય છે, પરંતુ હકીકત એ હોય છે કે આવા વિસ્તારો રાત્રિના સમયે ‘રામભરોસે’ હોય છે ! ‘જનરક્ષક’ વાહનો આવા સમયે ‘ગેરેજ’માં હોય છે ? એવો પ્રશ્ન નારાજગીઓ સાથે પૂછાઈ રહ્યો છે.(FILE IMAGE)