જામનગર સહિત સમગ્ર હાલાર અને આખાયે સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય રસ્તાઓની કાયાપલટ થશે. આ સાથે CMએ સમગ્ર રાજ્યના રસ્તાઓને ચકાચક બનાવવા કુલ રૂવ 2,069 કરોડ મંજૂર કર્યા છે.
સરકારે નિર્ણય કર્યો છે કે, રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોને સારી સપાટીવાળા, બારમાસી રસ્તાઓ પૂરાં પાડવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષાંગિક કામગીરીઓ માટે રૂ. 2,069 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ રકમમાંથી સૌરાષ્ટ્રના 272 ગ્રામ્ય માર્ગો કે જેની કુલ લંબાઈ 1,059 કિલોમીટર થાય છે, તેના કામો પણ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો, આગેવાનો અને ચૂંટાયેલા નેતાઓ દ્વારા આ રસ્તાઓ સંબંધે સમયાંતરે રજૂઆતો થયેલી. સમગ્ર રાજ્યમાં કુલ 4,196 કિલોમીટર લંબાઈના કુલ 1,258 રસ્તાઓની કાયાપલટ થશે.