Mysamachar.in-કચ્છઃ
કચ્છ ડિસ્ટ્રિક્ટ બેંક (KDC)માં 100 કરોડના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યના ચકચારી જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ દરમિયાન આ મામલો સામે આવતા ગુપ્ત ઓપરેશન પાર પાડીને ગુજરાત સીઆઈડી ક્રાઈમે અબડાસામાં 100 કરોડના કૌભાંડમાં 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભુજની કેડીસીસી બેંકમાં બોગસ દસ્તાવેજો અને બોગસ મંડળીઓના આધારે કરોડો રૂપીયાની લોન લઇ સમગ્ર કૌભાંડ આચરાયા બાદ 2015માં કેડીસીસી બેંકના દીપકભાઇ કટારીયાએ ફરીયાદ કરી હતી. જે તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ હતી. તપાસમાં નલિયા કોર્ટે સ્ટે આપ્યો હતો જે સ્ટેને હટાવવા હાઇકોર્ટમાં અપીલ કરાતા તા.8-10-2018ના સ્ટે ઉઠી જતા સીઆઇડીની તપાસ આગળ ધપી હતી. ગુરુવારે રાત્રે સીઆઇડીની ટીમે અબડાસા અને માંડવી પંથકમાં ત્રાટકી આઠ મંડળીઓના 26 સભ્યોની અટકાયત કરી છે. આ તમામને ભુજના હેડકર્વાટર ખાતે લાવી સઘન પુછપરછ હાથ ધરાઇ હતી. આ લોન કોભાંડ 16 કરોડ 66 લાખ 59 હજાર 149 રૂપીયાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મોડી રાત્રે ત્રાટકેલી સીઆઇડી ક્રાઇમની 10 ટીમમાં કુલ 50થી 55 કર્મચારીઓ જોડાયા હતા. કચ્છ કેડીસીસી બેંકના કૌભાંડની તપાસ અંગે સીટના વડા અને તપાસનીસ ગૌતમ પરમારે ભુજમાં પ્રેસકોન્ફરન્સ યોજતા કહ્યું હતું કે, 2015માં થયેલી ફરીયાદ બાદ કોર્ટે સ્ટે આપ્યો હતો જે સ્ટે 2018માં હટી જતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો હતો અને ગુરુવારે રાત્રે 10 ટીમોએ માંડવી અને અબડાસા પંથકમાં ત્રાટકી સબંધીતોની અટકાયત કરી હતી. કૌભાંડના મુખ્ય સુત્રધાર અને જયંતી ભાનુશાલી કેસના આરોપી એવા જયંતી ઠક્કર (ડુમરાવાળા) હાલ જેલમાં છે અને તેમની ધરપકડ અગાઉ કરી લેવાયા બાદ વધુ આરોપીઓને પકડવા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું અને જુદી જુદી ટીમોએ રાત્રે ત્રાટકી આરોપીઓને દબોચી લીધા છે. સમગ્ર કૌભાંડમાં જુદી જુદી મંડળીઓ વિરૂદ્ધ કુલ આઠ FIR દાખલ કરવામાં આવી છે.