Mysamachar.in-રાજકોટ:
જામનગર જિલ્લાની વતની એક યુવા મહિલા તબીબે આજથી સવા વર્ષ અગાઉ રાજકોટમાં એક ફલેટમાં ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી હતી, પોલીસમાં આવડો મોટો મામલો અકસ્માત મોત તરીકે આટલાં સમય સુધી, ફાઈલ થયેલો પડ્યો હતો. હવે મૃતકના માતાએ બે શખ્સો વિરુદ્ધ રાજકોટ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસને મળેલી સુસાઈડ નોટ કહે છે: આ મોતમાં કોઈનો વાંક નથી.
આ મહિલા તબીબનું નામ બિંદીયા ગોવિંદભાઈ બોખાણી, જે ધ્રોલના વતની હતાં અને રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં નોકરી કરતાં હતાં, 2023ના મે મહિનામાં તેણીનો મૃતદેહ રાજકોટના માધાપર ચોકડી નજીકના અતુલ્યમ આંગણવન નામના એપાર્ટમેન્ટના ફલેટ નંબર B-104 માંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો મામલો નોંધ્યો હતો અને પછી પોલીસ આ સનસનાટીવાળો કેસ’ભૂલી’ ગઈ હતી.
હવે, મૃતક ડો.બિંદીયા બોખાણીના માતા જાનુબેન બોખાણીએ આ મામલે રાજકોટ પોલીસમાં FIR દાખલ કરાવી. જેમાં આરોપીઓ તરીકે ડો. મૌલિક ઉર્ફે મિત જોબનપુત્રા અને અને તેના ભાઈ પાર્થ દિપકભાઈ જોબનપુત્રા ( પુષ્કરધામ મેઈન રોડ, ક્રિસ્ટલ મોલ રોડ)ના નામો જાહેર થયા છે. રાજકોટનો અહેવાલ કહે છે: પોલીસે ઓનલાઈન રિપોર્ટમાં આ FIR બ્લોક કરી નાંખી હતી. તેથી ઉહાપોહ પણ મચી ગયો હતો.
આ FIR કહે છે: ડો. બિંદીયા અને ડો. મૌલિક સાથે નોકરી કરતાં હતાં. જેને કારણે, પાર્થ જોબનપુત્રા બિંદીયાના સંપર્કમાં આવ્યો હતો. પાર્થ એ ડો. બિંદીયાને લગ્નની લાલચ આપી હતી, પ્રેમજાળમાં ફસાવી હતી, ડો. બિંદીયાના ફોટા પાડી અને વીડિયોઝ બનાવી તેણે ધાકધમકી આપી હતી. ડો. બિંદીયાના અલગઅલગ બેંકના એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટસ પણ પાર્થ એ પોતાની પાસે રાખી લીધાં હતાં, એમ આ ફરિયાદમાં મૃતકના માતા જાનુબેન બોખાણીએ કહ્યું છે.
આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની અને એટ્રોસિટીની કલમો અંતર્ગત ડો. મૌલિક અને પાર્થ જોબનપુત્રા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. દરમિયાન, પોલીસસૂત્રના હવાલે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મરણ જનાર બિંદીયા બોખાણી પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, ‘ હું જિંદગીથી કંટાળી ચૂકી છું. બધાં ખુશ રહેજો કોઈનો વાંક નથી..’ જેતે સમયે આ નોટ FSLમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી અને એવું જાહેર થયેલું કે, આ નોટ બિંદીયા બોખાણીએ જ જાતે લખી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતકના માતાએ પ્રથમ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતાં, બાદમાં આ ફરિયાદ દાખલ થઈ છે.(symbolic image)