Mysamachar.in:જામનગર
આજના સમયમા નજીકની પરિચિત વ્યક્તિ સિવાય કોઈની વાતોમાં આવી જઈ અને તેના પર વિશ્વાસ કરવો કેટલો ભારે પડી શકે તેનો એક કિસ્સો પોલીસ ફરિયાદના માધ્યમથી સામે આવ્યો છે, જેમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન મિત્રતા કેળવીને એક વ્યક્તિ સાથે 25 લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાનો મામલો પોલીસ મથકે પહોચતા મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના અને હાલ જામનગર શરુ સેક્શન રોડ પર ગુરુકૃપા હાઈટ્સમાં રહી અને પ્રાઈવેટ નોકરી કરતા રાજીવ મહાવીર દાધિચને થોડા સમય પૂર્વે ટ્રેનમાં મુસાફરી દરમિયાન જામનગરના પંચવટી સોસાયટીમાં વસવાટ કરતા શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ નારાયણસિંહ નિર્બાન સાથે મુલાકાત થઇ હતી અને બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી.
આરોપી શૈલેન્દ્રસિંહએ ટ્રેનમા મુસાફરી દરમ્યાન ઓળખાણ કરી મિત્રતાના સંબંધો બનાવી પ્રથમ પોતાના પિતાને પૈસાની જરૂરિયાત હોવાનુ જણાવી ફરીયાદી રાજીવ દાધીચ પાસેથી રકમ રૂપિયા:-40,000/- મેળવી તે રકમ પરત આપી ભરોસો તથા વિશ્વાસ આપી ફરીયાદીને જામનગરમા ફ્લેટ અપાવવાની લાલચ આપી તેના બદલામા ગુગલ-પે તથા ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે અલગ-અલગ સમયે અલગ-અલગ રકમની માંગણી કરી કુલ આશરે રૂ.25,00,000/- પોતાના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમા જમા કરાવડાવી, ફરીયાદી રાજીવને ફલેટ કે પોતાને આપેલ રકમ પરત નહી આપી અને ઉલટાનું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, આર.બી.આઇ. તથા એચ.ડી.એફ.સી. બેન્કના નામે ખોટા ડોક્યુમેન્ટ તથા મેસેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તે ડોક્યુમેન્ટ તથા મેસેજ ફરીયાદીને વોટ્સએપ મારફતે મોકલી ફરીયાદી સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે PSI બી.બી.કોડીયાતરે વધુ તપાસ હાથ ધરી છે.