Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જગતનો નાથ કાળીયો ઠાકર દ્વારકામાં સાક્ષાત બિરાજે છે, અને હજારો લાખો નહિ પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની દ્વારકા જગતમંદિર સાથે મોટી આસ્થા જોડાયેલી છે.એવામાં આ દ્વારકા મંદિરે ઈતિહાસમાં ક્દાચ પહેલીવાર એવું બન્યું કે જે લોકોને પણ વિચારતા કરી દે તેવું છે કારણ કે અત્યારસુધી લોકો તો પદયાત્રા કરીને દ્વારકાધીશને શીશ ઝુકાવે તેવું તો સાંભળ્યું હશે પણ પહેલીવાર 25 ગાયોએ પદયાત્રા કરીને દ્વારકા જગતમંદિરમાં પહોચી અને દ્વારકામંદિર અંદર પરિક્રમા પણ કરી….ધન્ય જેવી આ ઘડી થઇ ભાઈ…તેવું લોકો બોલી ઉઠ્યા….
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં પ્રથમ વાર એવું બન્યું કે, 25 ગાયો માટે રાત્રે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હોય અને 450 કિલોમીટરની પદયાત્રા કરીને છેક કચ્છના રાપર પાસેના નાના રણમાં આવેલા મેડક બેટથી આવેલી ગાયોએ મંદિરની અંદર જઈને દ્વારકાધીશના દર્શન કર્યા હોય ! રાજ્યમાં કચ્છના લખપતથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ગાયોના ટપોટપ મોત થઇ રહ્યા હતા, એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી કે, ‘હે કાળીયા ઠાકર, મારી ગાયોને લમ્પીથી બચાવી લેજે તો એમને પગપાળા લઈ આવીને તમારા દર્શન કરાવીશ.’
પણ આ તો દ્વારકાવાળો તેણે માલધારીની આ અરજ સાંભળી લીધી અને તેની એક પણ ગાયને લામ્પીનો રોગ અડકી શક્યો પણ નહી….જે બાદ કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા. કચ્છથી દ્વારકા સુધી 450 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને તેઓ આવી પહોંચ્યા ત્યારે સવાલ એ ઉઠ્યો કે, દિવસે તો મંદિરમાં અન્ય શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ ગાયોને મંદિરમાં કેવી રીતે લઈ જવી ? જે બાદ વહીવટી તંત્રની સ્પેશિયલ મંજૂરીથી ગાયોને કાળીયા ઠાકરના દર્શન કરાવવા માટે રાત્રે જગત મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પોતાના પાંચ ગૌસેવકો અને 25 ગાયોની સાથે દ્વારકા પહોંચેલા મહાદેવભાઇએ જગત મંદિરની પરિક્રમા કરીને 25 ગૌમાતા સાથે મંદિરમાં પ્રવેશી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ બાબતની મીડિયામાં પણ ખુબ નોંધ લેવાઈ રહી છે.