Mysamachar.in-અમદાવાદ:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં આડેધડ વાહન ચલાવનારાઓ પર RTO કે પોલીસતંત્રનું કોઈ નિયંત્રણ ન હોવાની સ્થિતિઓને કારણે અકસ્માતના બનાવોની સંખ્યા તોતિંગ જોવા મળી રહી છે. નોંધાયેલા અકસ્માતોની સંખ્યા અધ..ધ..ધ છે અને સૌ જાણે છે એમ રાજ્યમાં હજારો નાના અકસ્માત એવા હોય છે, જે કયાંય રેકર્ડ પર ચડાવવામાં આવતાં જ નથી.
અકસ્માતના સમાચારો વાંચી સૌ થોડા સમય માટે અરેરાટી અને શોકની લાગણીઓ અનુભવતા હોય છે પરંતુ પછી તરત સૌ, બધું ભૂલી જતાં હોય છે. અકસ્માતો સર્જાવાની બાબતને, નિર્દોષોના મોતને ન તો નાગરિકો ગંભીરતાથી લ્યે છે, ન તો સરકાર કે તંત્રોને કશી ચિંતાઓ છે. સર્વત્ર રેઢિયાળ સ્થિતિઓ જોવા મળી રહી છે. આ મુદ્દે સરકાર પર કયાંયથી, કોઈ જ પ્રકારનું ‘દબાણ’ પણ સર્જાતું ન હોય સરકાર પણ નિશ્ચિંત અને જવાબદાર અધિકારીઓને આ મુદ્દે કોઈ કશું પૂછતું નથી !
વર્તમાન વર્ષ 2025ના માત્ર 3 મહિનાના આંકડા પણ ચિંતાપ્રેરક છે. આ પ્રથમ 90 દિવસમાં રાજ્યની ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાને અકસ્માત સંબંધિત ઈજાઓના મામલે કુલ 44,855 કોલ પ્રાપ્ત થયા. ઈજાગ્રસ્તો પોતાની રીતે અન્ય વાહનોમાં હોસ્પિટલ પહોંચી ગયા હોય તેવા અકસ્માત અને જેમાં ઈજાઓ ન થઈ હોય એવા અન્ય હજારો અકસ્માતની સંખ્યા તો કયાંય રેકર્ડ પર નોંધાતી નથી- એ અલગ.
રાજ્યમાં દર કલાકે 21 અકસ્માત રેકર્ડ પર ઉલ્લેખ થઈ રહ્યા છે. કલ્પના કરો, વાહનો કેવી આડેધડ રીતે ચાલતાં હશે. ધોરીમાર્ગો પર જેમ કોઈ પૂછનાર નથી એમ જ શહેરોમાં પણ ટ્રાફિક નિયમન અને નિયંત્રણ મુદ્દે સંપૂર્ણ રેઢિયાળ સ્થિતિઓ જોવા મળી રહી છે. 2024ના પ્રથમ ત્રણ મહિનાઓ દરમિયાન 41,288 અકસ્માત અને આ વર્ષે, આ ત્રણ મહિનાઓ દરમિયાન અકસ્માતોની નોંધાયેલી સંખ્યા 44,855. આ તફાવત પરથી આપણને બધું જ સમજાઈ જવું જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં દારૂબંધી છતાં નશો કરીને વાહન ચલાવતા લોકોની સંખ્યા વધી રહી છે.(પ્રતીકાત્મક તસ્વીર)