Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના પોલીસદળમાં હજારો જગ્યાઓ ખાલી હોય, આ બાબતે વડી અદાલતમાં જાહેર હિતની અરજીની સુનાવણીઓ ચાલુ છે. અદાલત આ ખાલી જગ્યાઓ બાબતે સરકારને વખતોવખત ઢંઢોળી રહી હોય, આ દિશામાં ધીમેધીમે પણ થોડી નક્કર કામગીરીઓ થઈ રહી છે. સરકારે વડી અદાલતમાં સોગંદનામા સાથે કહ્યું કે, એક જ મહિનામાં પોલીસદળમાં 2,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સરકારે આમ કહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2 મહિનાઓ અગાઉ પોલીસદળમાં 4,723 જગ્યાઓ ખાલી હતી. ત્યારબાદ સરકારે 2 મહિનામાં 1,006 ખાલી જગ્યાઓ પર ભરતીઓ કરી. હાલ 3,717 જગ્યાઓ ખાલી પડી છે. સરકારે એફિડેવિટમાં કહ્યું: આ ખાલી જગ્યાઓ પૈકી 2,000 ખાલી જગ્યાઓ પર અમો એક મહિનામાં ભરતીઓ કરી લઈશું.

સરકારના આ સોગંદનામા પર વડી અદાલતે કહ્યું: એક મહિના બાદ સરકારે આ બાબતે પ્રોગ્રેસ રિપોર્ટ દાખલ કરવાનો રહેશે અને હવે પછીની સુનાવણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે. સરકારે આ એફિડેવિટ સાથે વડી અદાલતમાં રજૂઆત કરી કે, પોલીસ ભરતી બોર્ડમાં પૂર્ણ સમય માટે ચેરમેનની નિમણૂંક માટે એડિશનલ ડીજી કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ડીજી કક્ષાએ તાલીમ આપવામાં આવી રહી છે. PSI ની પરીક્ષાઓ લેવાઈ ગઈ છે, ભરતીની આગળની પ્રક્રિયાઓ ચાલુ છે. ફિઝિકલ ટેસ્ટ પણ ટૂંક સમયમાં લેવાઈ જશે. સરકાર પોલીસદળમાં ઝડપથી ભરતીઓ કરવા તમામ પ્રયાસ કરી રહી છે.
