Mysamachar.in:જામનગર:
ગત શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગે 27 જિંદગીઓનો ભોગ લઈ લીધો જેના ઘેરા પ્રત્યાઘાત સરકાર સુધી પડ્યા છે અને વિપક્ષને મુદ્દો મળી ગયો છે સરકાર સામે લોકોનો રોષ વ્યાપક છે ત્યારે જામનગર મહાનગર પાલિકાની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે ગતરોજ 20 રેસ્ટોરન્ટ જે આડેધડ મંજૂરીઓ વિના રાજકીય આકાઓની ઓથ મેળવીને ચાલતા હતા તેના પર તવાઈ બોલાવીને સીલ કરી દીધા છે અને આજે પણ આ કાર્યવાહી અવિરત રહેશે તેમ જાણવા મળે છે, આ સમગ્ર ઓપરેશન સરકાર અને હાઇકોર્ટના ડાયરેક્ટશન બાદ શરૂ કરવામાં આવ્યા હોવા છતાં…. રાજકોટમાં આટલી મોટી કરુણાંતિકા બની હોવા છતાં… કેટલાક નેતાઓની નજીકના લોકોના આવા ગેરકાયદે માચડાઓ હોય બચાવવા ભલામણો કરી પણ કારી ફાવી નહિ અને સિલીંગની કાર્યવાહી બરકરાર રાખવામાં આવી છે,

રાજકોટના ટીઆરપી ગેમઝોનની કરૂણાંતિકા પછી જામનગરમાં ગેમ ઝોન, હોટલ રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત લાયસન્સ વગર ધમધમતા 20 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ ગેમઝોનની કાળજું કંપાવનારી ઘટના બાદ રાજ્ય સરકારની સુચનાઓ અને હાઈકોર્ટના ડાયરેકશન મુજબ મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીની સૂચનાઓ મુજબ નાયબ કમિશ્નર ઝાલા અને સીટી ઈજનેર ભાવેશ જાનીના સીધા માર્ગદર્શન હેઠળ જામ્યુકોના એસ્ટેટ અધિકારી એન.આર.દીક્ષિત, દબાણ નિરીક્ષકો સુનિલ ભાનુશાળી, અનવર ગજણ સહિતની ટીમો દ્રારા શહેરના અલગ અલગ વિસ્તારમાં અને ખાસ કરીને રણજીતસાગર જતા રસ્તા પર હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી, લાયસન્સ સહિતના મુદે તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં રણજીતસાગર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી 40 જેટલી હોટલ રેસ્ટોરન્ટ, કે જેમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને તે તમામ સ્થળે સીલીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગતરોજ સવારથી એસ્ટેટ વિભાગે શરુ કરેલ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી જેમાં ઘરની ધોરાજી ચલાવતા 20 રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યા છે અને મનપા દ્વારા વેરીફાઈ કરવામાં આવેલ અન્ય 20 જેટલા રેસ્ટોરન્ટ પર આજે સીલીંગ સહિતની ઝુંબેશ હાથ ધરવામાં આવશે…

-આ રેસ્ટોરન્ટ પર થઇ કાર્યવાહી
01-બેઠક રેસ્ટોરન્ટ (પંપ હાઉસ સામે પટેલ પાર્ક, લાલપુર રોડ)
02-આર્ય ફૂડ પાર્સલ (ગ્રીન સીટી રોડ, લાલપુર રોડ)
03-રાધે રાધે રેસ્ટોરન્ટ (મારૂ કંસારા વાડી બાજુમાં લાલપુર રોડ)
04-ઢોસા હાઉસ (મારૂ કંસારા વાડી સામે લાલપુર રોડ)
05-ઢોસા ડોટ કોમ (મારૂ કંસારા વાડી બાજુમાં લાલપુર રોડ)
06-ઢોસા કીંગ (મારૂ કંસારા વાડી સામે મયુર ટાઉનશીપ લાલપુર રૉર્ડ)
07-જીજે-૫ ઢોસા (મયુર ટાઉનશીપ લાલપુર રોડ)
08-ખોડિયાર હોટલ રેસ્ટોરન્ટ (અવધ શો-રૂમ સામે લાલપુર રોડ)
09-સપના ગાર્ડન રેસ્ટોરન્ટ (લાલપુર બાયપાસ ચોકડી)
10-વિજયરાજ હોટલ (લાલપુર બાયપાસ ચોકડી)
11-વૃંદાવન રેસ્ટોરન્ટ (મોરકંડા પાટીયા પહેલા ઠેબા ચોકડી રોડ)
12-હાઇવે ટેન (મોરકંડા પાટીયા પાસે ઠેબા ચોકડી રોડ)
13-યેલો પેપર (મોરકંડા પાટીયા પછી ઠેબા ચોકડી રોડ)
14-ઢાબા એ જામનગરી (ઠેબા ચોકડીથી નુરી ચોકડી)
15-સનાતન રેસ્ટોરન્ટ (ઠેબા ચોકડીથી મોરકંડા રોડ, જેસીઆર પાસે)
16-દ્વારકાધીશ હોટલ (ઠેબા ચોકડીથી લાલપુર બાયપાસ)
17-ૐ શાંતી હોટલ (ઠેબા ચોકડીથી લાલપુર બાયપાસ)
18- જલસા ગાર્ડન રેસ્ટોરન્ટ (લાલપુર બાયપાસ)19-સુપર ફેમીલી રેસ્ટોરન્ટ (ઠેબા ચોકડી નજીક)
19-માલધારી હોટેલ (ઠેબા ચોકડી)
20-સુપર ફેમીલી રેસ્ટોરન્ટ

-પોલીસ તો માત્ર બંદોબસ્ત પુરતી જ સાથે હતી….
ગતરોજ એક દિવસની કામગીરી પૂર્ણ થતા જ પોલીસે રાત્રે એક એવી અખબારી યાદી જાહેર કરી તેવોએ અને મનપાની ટુકડી સાથે આ કામગીરી કરી હતી પણ વાસ્તવિકતા તો એવી છે કે પોલીસને તો આ કાર્યવાહી દરમિયાન અન્ય કોઈ અડચણ ઉભી ના થાય તે પુરતી જ ત્રણ ચાર કોન્સ્ટેબલના બંદોબસ્ત માટે સાથે રાખવામાં આવી હતી.કારણ કે જીપીએમસી એકટ મુજબ સીલીંગ સહિતની કાર્યવાહી કરવાના પાવર્સ મનપા પાસે જ છે.